ગુજરાત ના ૫૮ માં સ્થાપના દિને મુખ્યમંત્રી વિજય રૂપાણી નો પ્રજાનો સંદેશ

ગુજરાતની સ્થાપનાના ૫૮ માં ગૌરવ વર્ષે ગુજરાતમાં વસનારા પ્રત્યેક નાગરિકને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, માત્ર સત્તા ચલાવવા માટે અમે કામ નથી કરતા, અમારે તો રાજ્યના ખૂણેખૂણાનો વિકાસ કરવો છે, જ્યાં માનવી ત્યાં સુવિધા, વ્યથા નહીં પરંતુ વ્યવસ્થા આપવાનો અમે ભેખ લીધો છે, સત્તાના અટપટા ખેલ ખેલવાની અમારી સંસ્કૃતિ નથી, સત્તાને સેવાનું માધ્યમ બનાવી જનતાની સુખાકારીમાં સતત વધારો કરવાનો, લોકોને મદદરૃપ થવાનો અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને સૌનો સમ્યક અને સમતોલ વિકાસ થાય એ દિશામાં જનહિતના નિર્ણયો કલ્યાણકારી પગલાઓ અમે પ્રામાણિકતાથી લઈ રહ્યાં છે.

વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૨ વર્ષથી અમે હોલિસ્ટિક એપ્રોચથી ઓલ અરાઉન્ડ ડેવલપમેન્ટ કરી રહ્યાં છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધારવાની સાથોસાથ સમાજના અંત્યોધ્યથી માંડીને પ્રત્યેક વર્ગની સુખસુવિધા સમૃદ્ધિનો અમે વિચાર કર્યાે છે. ૨૨ જેટલી પોલિસીના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે. ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ૩૩ ટકા મૂલ્યવર્ધન થયું છે, ૨૦૧૩થી ૨૦૧૭ના ચાર જ વર્ષમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ચાર ગણું વધ્યું છે.

ગુજરાતના યુવાનને રોજગાર અવસર આપીને આ સરકારે તેમને ‘જોબ સીકર’ નહીં પણ સ્ટાર્ટ અપ ઈન્ડિયા સ્ટેન્ડ અપ ઈન્ડિયાના માધ્યમથી ‘જોબ ગીવર’ બનાવ્યા છે, તેમ ઉલ્લેખતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસના મંત્રથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. પણ કમનસીબે ગુજરાત વિરોધી લોકો રાજ્યમાં સામાજિક સમરસતા તૂટે, સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કામ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતના લોકોને કહેવું પડે છે કે, આ અડીખમ ગુજરાતને અમે ધીરું નહીં પડવા દઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *