ગયું આખુ વર્ષ કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ અંતર્ગત અધ્યયન કાર્ય કરાયું હતું. પાછલા ધોરણના અભ્યાસક્રમને સમાવી બ્રિજ કોર્સ તૈયાર કરાયો છે. ધોરણ-૧થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ રાજ્યમાં ૭ જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે શરૂ કરાશે. બ્રિજ કોર્સમાં ગત ધોરણના અભ્યાસક્રમ ઉપરાંત ચાલુ ધોરણના અભ્યાસક્રમનો સમન્વય કરવામાં આવશે. બ્રિજ કોર્સ અંગે શિક્ષકોને તાલીમ પણ અપાશે. બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય ધોરણ-૧ માટે શાળા તાત્પરતા, ધોરણ-૨, ૩ માટે વર્ગ તાત્પરતા, ગુજરાતી, ગણિત, ધોરણ-૪થી ૯ માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી તેમજ ધોરણ-૧૦ માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો સમાવેશ કરાયો છે. સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કેજી, મોડલ, મોડલ ડે, આશ્રમ શાળાઓના ધોરણ-૧થી ૧૦ના વિદ્યાર્થીઓને આ સાહિત્ય ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ દ્વારા ૭ જૂન, ૨૦૨૧ સુધીમાં પહોંચાડવામાં આવશે.
બ્રિજ કોર્સ એટલે શું?
બ્રિજ કોર્સ એટલે બે ધોરણ વચ્ચે સેતુની કામગીરી. જેમ કે, ધોરણ.૬ના વિદ્યાર્થી માસ પ્રમોશન થી ધોરણ.૭માં આવશે. હવે આ વિદ્યાર્થીઓ ધોરણ.૬માં માત્ર ઓનલાઈન જ ભણ્યાં છે, જેથી ધોરણ.૭માં અભ્યાસ કરવા માટે તેમનામાં રહેલી ધોરણ.૬ની ઊણપ બ્રિજ કોર્ષ થકી પૂરી કરવામાં આવશે. આમ માસ પ્રમોશનથી આગળના ધોરણમાં આવેલ વિદ્યાર્થીનું લેવલ બ્રિજ કોર્સ થકી લવાશે.