ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાં નેતા હાર્દિક પટેલ એ રાજ્યમાં ફરી એકવાર આંદોલન શરુ કરવામાં માટે કવાયત શરુ કરી દીધી છે. જે અંતર્ગત તે હાલમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ સરકાર વિરુદ્ધ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે હાર્દિક પટેલ શુક્રવારે જુનાગઢ જીલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જાહેર મીટીંગનું આયોજન કરીને જનજાગૃતિ અભિયાનને આગળ ધપાવ્યું હતું.
ગુજરાત સરકારની યુવાનો અને ખેડૂત વિરોધી નીતિઓને લઈને રાજયમાં ફરી એકવાર હાર્દિક પટેલ ના નેતુત્વમાં આંદોલન શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલન ઉપરાંત યુવાનો અને ખેડૂતોના મુદ્દાને પણ સાંકળી લેવામાં આવશે.આ અંગે જણાવતા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે આગામી બે મહિના બાદ સમગ્ર રાજ્યમાં જનજાગૃતિ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમાં ગુજરાત ના મુખ્ય ૨૬ જિલ્લાઓ માંથી આ યાત્રા નીકળશે.દરેક જિલ્લા માં ૧૮ દિવસ યાત્રા ફરશે.જિલ્લા ના તમામ ગામડાઓમાં યાત્રા ફરશે તથા અનામત,ખેડૂત અને યુવાનો મુદ્દે જનતા ને જાગૃત કરવામાં આવશે.સરકાર ની ખોટી નીતિઓ અને વ્યવસ્થા સામે લોકોમાં એકતા અને જાગૃતિ લાવાનો પ્રયાસ થશે.યાત્રા નો પ્રારંભ જૂનાગઢ જિલ્લા થી થશે.યાત્રા ની તમામ વિગતો ટૂંક સમય માં જાહેર કરાશે.
નોંધનીય છે કે, આ અંગે હાર્દિકે પટેલે કહ્યું હતું કે ગુજરાત ને વેરથી નહિ પણ પ્રેમ થી બદલીશું.સત્તા પરિવર્તન માટે નહિ પરંતુ વ્યવસ્થા પરિવર્તન માટે લડીશું. યાત્રા નો ઉદ્દેશ ફક્ત જાગૃતિ અને અધિકાર માટેની લડાઈનો છે.
૧.પટેલ સમાજ ને બંધારણીય અનામત નો લાભ આપો.
૨.અન્નદાતા સમાન ખેડૂત નું દેવું માફ કરો અને ખેડૂતની આવક બમણી કરો.
૩.શિક્ષિત યુવાનો માટે તત્કાલીન રોજગારી ઉપલબ્ધ કરો.
આ અંગે હાર્દિક પટેલે વધુ જણાવતા કહ્યું હતું કે, જનનજાગૃતિ યાત્રા ગુજરાત ના દરેક જિલ્લામાં ફરશે અને પાટીદાર સમાજને અનામત, ખેડૂતોની લૉન માફી, શિક્ષિત યુવાનોને રોજગારીની માંગણી કરવામાં આવશે. આ માટે સમાજના લોકોને યાત્રા થકી જ સંગઠિત કરવામાં આવશે. આ યાત્રા દરેક જિલ્લા માં ૧૮ દિવસ ફરશે અને ગુજરાતના તમામ જિલ્લામાં આ યાત્રા ફરશે.
આ અગાઉ હાર્દિક પટેલ જેલમાં હતો ત્યારે પાસ કન્વીનર્સ દ્વારા સૌરાષ્ટ્રમાં ‘પાટીદાર એકતા યાત્રા’ નિકાળવામાં આવી હતી, ઉત્તર ગુજરાતમાં વિસનગર બહુચરાજીની યાત્રા નિકાળવામાં આવી હતી, સુરતમાં લાપસી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ દ્વારા પણ જેલમાંથી છૂટ્યા બાદ સોમનાથ સુધીની યાત્રા નિકાળવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ દ્વારા પણ અનેક રોડ શો અને યાત્રા કરવામાં આવી હતી. જો કે ટૂંક જ સમયમાં આંદોલનની સમગ્ર રૂપરેખા જાહેર કરીને તે મુજબનું આયોજન કરવામાં આવશે. જો કે આ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રથી જ કરવામાં આવશે તે પણ નક્કી જ છે.