મુંબઇના અરબી સમુદ્રમાં વાવાઝોડા દરમિયાન ડૂબી ગયેલા પી – ૩૦૫ બાર્જ કેપ્ટન રાકેશ બલ્લવ અને અન્ય સામે પોલીસે સદોષ મનુષ્ય વધનો કેસ દાખલ કર્યો છે.યલોગેટ પોલીસે કલમ ૩૦૪ (૨), ૩૩૮, ૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. વાવાઝોડા વખતે પી-૩૦૫ બાર્જ ડૂબી જતા અનેક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. અમૂક કર્મચારીનો હજી સુધી પતો લાગ્યો નહોતો. નેવીએ તેમની શોધખોળ માટે સર્ચ અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.આ સંપૂર્ણ ઘટનાની પેટ્રોલિયમ મંત્રાલયે ઉચ્ચ સ્તરિય તપાસનો આદેશ આપ્યો છે. વાવાઝોડા બાબતે ચેતવણી આપવામાં આવી હતી. બોમ્બે હાઇ પાસેથી તમામ જહાજોને કિનારા પર પાછા આવવા જણાવવામાં આવ્યુ હતુ. પણ બાર્જના કેપ્ટને આ ચેતવણીની ગંભીરતાથી નોંધ લીધી ન હોવાનુ કહેવાય છે. આ ઉપરાંત સુરક્ષા માટે સાધનોમાં પણ ખરાબી હતી એવી ચર્ચા થઇ રહી છે.