ધોરણ.10 માં સરકારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો હજુ પણ પ્રવેશના મુદ્દે મૂંઝવણમાં છે. જો કે, સુરતમાં ધોરણ 11 ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની 600 જેટલી સ્કૂલોમાંથી 220 સ્કૂલોએ 26 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ ફાઈનલ કર્યા હોવાનું સ્કૂલ સંચાલક મંડળના અધ્યક્ષ દિનકર નાયક અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ સવજી હૂડેએ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતુ.જો કે, દરેક સ્કૂલે તેમના વર્ગની ક્ષમતા છે તેનાં કરતા વધુ પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હજુ પણ 53 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશની કામગીરી બાકી છે જેમાં આઈટીઆઈ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. શહેરની સંખ્યાબંધ સ્કૂલો એવી પણ છે જેમણે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરી છે પણ રાજય સરકારની પ્રવેશ અંગે કોઈ ચોક્કસ ગાઈડલાઈન્સ આવે તે પછી પ્રવેશ ફાઈનલ કરશે તેવું વાલીઓને કહ્યું હોવાનું જાણવા મળ્યું છે