તાઉ-તે વાવાઝોડાંએ ગીર સોમનાથ જિલ્લામાં તારાજી સર્જી છે. આ વાવાઝોડાંમાં સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું છે. કારણ કે, ગીર પંથકના ખેતરોમાં કેરીના પાકનો સોથ વળી ગયો છે. સોમવારે બપોર પછી શરૂ થયેલા તોફાની પવનને કારણે આંબાવાડિયુમાં તૈયાર કેરીનો પાક ખરી પડ્યો હતો.
એમાંય વાવાઝોડું લેન્ડ ફોલ થયા બાદ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં કેરીના બગીચાઓ સાફ થઈ ગયા છે. ભારે પવન અને વરસાદને કારણે લગભગ 90 ટકા કરી ખરી ગઈ છે. મંગળવારે સવારે વાવાઝોડું નબળું પડ્યા પછી ખેડૂતો ખેતરોમાં પહોંચ્યાં તો બગીચાઓમાં કેરીઓના પથારા પડ્યા હતા. માત્ર કેરીઓ ખરી છે એટલું જ નહીં બગીચાઓમાં આંબાના મહાકાય ઝાડ પણ ધરાશાયી થયા છે.
હજુ તો બગીચાઓમાં માંડ વેડા પડ્યા હતા ત્યાં જ વાવાઝોડાંએ તૈયાર પાકને નષ્ટ કરી દેતાં ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહત્ત્વનું છે કે, ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આંબાવાડિયુની આવી જ હાલત છે. આ ઉપરાંત પોરબંદર, કચ્છ અને ભાવનગર જિલ્લામાં નાના-મોટા બગીચા છે તેમાં પણ ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી છે.
