રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે રમઝાન ઇદની સાદગીભેર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાયરસની મહામારીને લઇને મુસ્લિમ બિરાદરોએ ઇદની ખાસ નમાઝ પોતપોતાના ઘેર જ અદા કરી કોરોના વાયરસની નાબુદી માટે દુઆ માંગી છે. મુસ્લિમ બિરદારોએ કોવીડ-19ની ગાઇડ લાઇનને અનુસરી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી એક-બીજાને ઇદની મુબારક પાઠવી હતી.
રમઝાન માસના આ વખતે 30 રોઝા પુરા થયેલ છે તેમજ જુમ્માના દિવસે ઇદ થતા મુસ્લિમ સમાજની ખુશી બેવડાયેલ છે. ગતવર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના લોકડાઉન વચ્ચે પવિત્ર રમઝાન માસ મનાવવામાં આવેલ હતો. આ વખતે પણ કોરોનાનો કહેર યથાવત રહેવા પામેલ હોય મુસ્લિમ બિરાદરોએ આકરા તાપ વચ્ચે રોઝા રાખી કઠોર તપશ્ર્ચર્યા કરી હતી. કોવીડ-19 ની ગાઇડ લાઇનને અનુસરી મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ-મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કરી ન હતી. બિરાદરોએ પોત પોતાના ઘરે અને મસ્જિદોમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવી નમાઝ અદા કરી હતી. કોરોનાના કહેરના પગલે ઇદ મિલન સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે.