ભારતમાં કોરોનાનાં સતત વધતાં કેસોમાં ચાલી રહેલાં રસીકરણ અભિયાનમાં હાલમાં બે વેક્સિન લોકોને આપવામાં આવી રહી, કોવિશિલ્ડ તથા કોવેક્સિન. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવે છે. ત્યારે અત્યારે કેટલાય રાજ્યોમાં હાલ પૂરતી વેક્સિનની અછત જોવા મળે છે ત્યારે કેન્દ્ર સરકારની પેનલ દ્વારા કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવા માટે ભલામણ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય રસીકરણ ટેકનિકલ સલાહ સમૂહ દ્વારા કોવિશિલ્ડના બે ડોઝની વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવા માટે ભલામણ કરવામાં આવી છે. ત્રણ મહિનામાં ત્રીજી વાર કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. પહેલા કેન્દ્ર સરકારે આ રસીના બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખ્યું હતું જેને બાદમાં લંબાવીને 8 સપ્તાહનું કર્યું હતું. હવે ત્રીજી વાર 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવશે.