દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે રેલવે બાદ હવે સેનાને પણ મિશન ઓક્સિજનમાં સામેલ કરી છે. રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં આવતા બંધ પ્લાન્ટોને ફરી ચાલુ કરવા માટે આદેશ આપ્યા છે.
સેનાની મેડિકલ વિંગ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસીઝ (AFMS)એ જર્મનીથી પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ મગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સેના આગામી સપ્તાહમાં 23 મોબાઈલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પ્લેનથી લાવશે. એને સેનાની હોસ્પિટલમાં ગોઠવવામાં આવશે. એક પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટથી પ્રતિ મિનિટ 40 લિટર અને એક કલાકમાં 2,400 લિટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા છે. એ 24 કલાકમાં 20-25 દર્દી માટે પૂરતા છે. એને એક સપ્તાહમાં ભારતમાં લાવવામાં આવશે.
એરફોર્સનું વિમાન ઈન્દોરથી ગુજરાત લઈ ગયા MPનાં ટેન્કર
વાયુસેનાના C-17 વિમાને શુક્રવારે મધ્યપ્રદેશના ઈન્દોર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. ત્યાર બાદ ખાલી ટેન્કર લઈ ગુજરાતના જામનગર માટે રવાના થયું હતું. આ ટેન્કર સડક માર્ગથી ઓક્સિજન લઈ પરત ફરશે. રેલવેએ નિર્ણય કર્યો છે કે એ જલદીથી મધ્યપ્રદેશમાં પણ ઓક્સિજન એક્સપ્રેસ લાવશે.
બોકારોથી UP જવા રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસની બીજી ટ્રેન
બોકારો સ્ટીલ પ્લાન્ટમાં દૈનિક 100 ટન કરતાં વધારે મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. અહીંથી ઝારખંડ ઉપરાંત ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે ઓક્સિજનનો સપ્લાઈ થાય છે.
મહારાષ્ટ્રની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન નાગપુર પહોંચી
આ અગાઉ ગુરુવારે મોડી રાત્રે ઓક્સિજન ટેન્કરોથી ભરેલી પહેલી ઓક્સિજન એક્સપ્રેસ વિશાખાપટ્ટનમથી મહારાષ્ટ્ર માટે રવાના થઈ હતી. શુક્રવારે સાંજે તે નાગપુર પહોંચી હતી. નાગપુરના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર જલજ શર્માએ જણાવ્યું કે અમને 15 મેટ્રિક ટનની ક્ષમતાવાળાં ત્રણ ટેન્કર મળ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરાનાના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. અહીં ઓક્સિજન સૌથી વધારે ઉત્પાદન થવા છતાં ભારે અછત પડી રહી છે.