કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પણ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. એનો ભાવ હવે 120થી 180 સુધી થઈ ગયા છે. કોરોનાની મહામારીમાં લોકો લીંબુનો રસ, મોસંબીનો રસ અને સંતરાંનો રસ, વધુ પ્રમાણમાં પી રહ્યા છે. પરિણામે, આ તમામ ફ્રૂટ્સની માગમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની માગ રહે છે, જેને કારણે લીંબુના ભાવમાં વધારો થાય છે. ઉનાળામાં લીંબુની આવક ઓછી હોય છે. આ વખતે લીંબુની આવક કરતાં માગ વધુ હોવાને કારણે ભાવ વધી ગયા છે. એ જ રીતે વિટામિન-સીની ઊણપ દૂર કરતાં મોસંબી અને સંતરાંની માગમાં પણ વધારો થયો હોવાથી એના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 40થી 50 હોય છે. એને બદલે આ વખતે લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 130થી 150 જેટલો થઈ ગયો છે. તે જ રીતે મોસંબી અને સંતરાંનો ભાવ પણ ડબલ થઈ ગયો છે. ફળોના ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે. આયુર્વેદિક ડોકટરો લીંબુ, મોસંબી, સંતરાં જેવાં ફળોનો રસ વધુ પીવાની સલાહ આપે છે. જેને કારણે અન્ય ફળો કરતાં લીંબુ, મોસંબી અને સંતરાં જેવાં ફળોની વધુ ખરીદી કરી રહ્યા છે.