દલિત આંદોલન: અમદાવાદમાં સારંગપુર બ્રિજ પર પોલીસ અને તોફાનીઓ સામસામે, પોલીસવાન પર પત્થરમારો

અમદાવાદ ના આવેલા સારંગપુર બ્રિજ પર પોલીસ અને તોફાનીઓ સામસામે આવી ગયા હતા. તેમજ સારંગપુરમાં દલિતો ના વિરોધ પ્રદર્શન વચ્ચે તોફાની ટોળાઓ બેફામ પત્થરમારો કરતા એક પોલીસ કર્મચારીને ઈજા પહોચી હતી,તેમજ દલિત અંદોલન ના તોફાની ટોળાઓએ પોલીસ વાન ને પણ નુકસાન પહોચાડ્યું હતું.

મળેલ માહિતી અનુસાર, અમદાવાદના સારંગપુર વિસ્તારમાં તોફાની ટોળાંએ પોલીસ વાન પર પથ્થરમારો કર્યાના અહેવાલ છે. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા તેવા પણ અહેવાલ મળી રહ્યા છે.

સારંગપુરમાં કેટલાક તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી હોવાની ઘટના બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ સારંગપુર દોડી આવી હતી.

અમદાવાદમાં ૧૫ જેટલી બસો પર પથ્થરમારો કરાતા બીઆરટીએસની સેવા બંધ કરવામાં આવી છે. બીઆરટીએસ બસ બાદ અમદાવાદમાં એએમટીએસની બસો પણ અટકાવી દેવાઈ છે. એએમટીએસની ૩૨ જેટલી બસોમાં તોડફોડ કરવામાં આવી છે. બસોને બંધ કરી દેવાતા લાખો મુસાફરો રઝળી પડ્યા છે.

નવા નાણાંકીય વર્ષના પહેલા જ દિવસે અમદાવાદના મોટાભાગના બજારો દલિત આંદોલનને કારણે બંધ રહ્યા હતા.જેમાં ન્યુ ક્લોથ માર્કેટ, પાંચકુવા, ત્રણ દરવાજા, માધુપુરા માર્કેટમાં દુકાનો નથી ખૂલી. રિલિફ રોડ પર પણ અડધાથી વધુ દુકાનો બંધ છે. સીજી રોડ પર પણ ભારતબંધની અસર દેખાઈ રહી છે.

પવિત્ર યાત્રાધામ ચોટીલામાં પ્રદર્શનકારીઓએ દુકાનો બંધ કરાવવા માટે પથ્થરમારો કર્યો હતો. જેમાં એક દુકાન પાસે ઉભેલા બે બાળકોને પણ પથ્થર વાગતા તેમને માથામાં ઈજા થઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા વેપારીઓ ચોટીલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને તોફાનીઓ સામે કડક પગલાં લેવા માગ કરી હતી.

ગુજરાતના સીએમ વિજય રુપાણીએ હિંસક બનેલા ભારત બંધ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. રુપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ દલિતોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે દલિતોને શાંતિ જાળવી રાખવા તેમજ જાહેર મિલકતને નુક્સાન ન પહોંચાડવા પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમના ચુકાદા સામે કેન્દ્ર સરકારે રિવ્યૂ પિટિશન કરી દીધી છે.

મળેલ માહિતી અનુસાર, અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા ટોળાંએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી. ટોળાંની તોફાની હરકતને કારણે સ્થાનિકોમાં જોરદાર રોષ ભભૂકી ઉઠ્યો હતો. સારંગપુરમાં સવારથી જ મોટી સંખ્યામાં દલિતો એકત્ર થયા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ સારંગપુરમાં ઉપસ્થિત છે.મોટી સંખ્યામાં સારંગપુર પાણીની ટાંકી પાસે એકઠા થયેલા દલિતોએ સારંગપુર બ્રિજને બંધ કરી દીધો હતો.સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં રસ્તા બંધ કરી દેવાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.

અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દલિતો ઉપરાંત આદિવાસીઓએ પણ કર્યું વિરોધ પ્રદર્શન. તીર-કામઠાં સાથે આદિવાસીઓએ કર્યો એસસી-એસટી એક્ટમાં સુધારાનો વિરોધ.

દલિતોના વિરોધ પ્રદર્શનને કારણે વિસતથી ચાંદખેડા સુધીનો રસ્તો પણ બંધ કરી દેવાયો.

ઉગ્ર બનેલા દલિતોએ વડોદરામાં સિટી બસ સેવા બંધ કરાવી દીધી હતી. મળેલ માહિતી અનુસાર, ૨૦૦થી વધુ લોકોનું ટોળું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ પર પહોંચ્યું હતું અને ટ્રેનને રોકવામાં આવી હતી. એક દલિત યુવક ટ્રેનના એન્જિનમાં ચઢી ગયો હતો. પોલીસે સમજાવટથી આખો મામલો થાળે પાડી ટ્રેનના એન્જિનમાં ચઢી ગયેલા યુવકને નીચે ઉતાર્યો હતો. મળેલ માહિતી અનુસાર, વડોદરા રેલવે સ્ટેશને થયેલા હલ્લાબોલને કારણે પાંચ જેટલી ટ્રેનોને સ્ટેશન પર જ અટકાવી દેવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *