મંત્રીએ ગુજરાત પ્રવાસન નીતિ-૨૦૧૫નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પ્રવાસન ઉદ્યોગને વેગ માટે સરકારે મનોરંજન કર, લક્ઝરી ટેક્સ, વીજળી કરમાંથી મુક્તિ સહિતની અનેક છૂટછાટ જાહેર કરી છે. જેથી ૨૦૧૬-૧૭માં ગુજરાતમાં ૪.૪૮ કરોડ પ્રવાસી આવ્યા હતા. ૨૦૮-૦૯માં પ્રવાસીઓની સંખ્યા ૧.૫૮ કરોડ હતી અર્થાત પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. રાજ્યમાં રેસ્ટોરન્ટ માટે પોલીસ તંત્ર પાસેથી લાઇસન્સ લેવા માટે કે તેને રિન્યુઅલ કરાવવા માટેની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવેથી કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જમવા માટે ખાવાનું કે પીવાનું આપવા માટેના રજિસ્ટ્રેશનનું રિન્યુઅલ કરાવવું નહીં પડે.
ખાણી પીણીનો જ ધંધો કરનારાઓને પોલીસ લાઈસન્સ લેવાની ફરજ પાડવામાં આવતી હોવાથી પોલીસ તરફથી તેમના પર બિનજરૃરી આર્થિક વહેવાર કરવા માટે દબાણ લાવવામાં આવતું હોવાની ફરિયાદ હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગની હતી. આ ફરિયાદ અંગે ગુજરાત ચેમ્બરે રજૂઆત કરી હતી. પરિણામે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં રહેવાની સુવિધા ધરાવતી રેસ્ટોરાંનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
ગુજરાત પોલીસ અધિનિયમમાં અગાઉ સામેલ આવી કલમ કે જોગવાઈએ રાજ્ય સરકારે રદ કરી છે. વિધાનસભા ગૃહમાં ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કરેલું વિધેયક મંજૂર કરાયું હતું. ગૃહમાં ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) મુજબ રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ કમિશનર પાસેથી લાઇસન્સ લેવું પડે છે અને સમયાંતરે તેને રિન્યુ પણ કરાવવું પડે છે. જેના કારણે રેસ્ટોરન્ટ માલિકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની પણ રજૂઆતો સરકારની મળી હતી.
જેના સંદર્ભમાં રાજ્ય સરકારે હકારાત્મક વિચારણા કરીને રેસ્ટોરન્ટ માટે સક્ષમ ઓથોરિટી પાસેથી લાઇસન્સ મેળવવા તથા તેને રિન્યુ કરાવવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી છે. મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસને વરેલી છે. ગુજરાતના દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. બીજી બાજુ રેસ્ટોરન્ટનો વ્યવસાય સામાજિક વ્યવસાય હોવા ઉપરાંત પ્રવાસન ઉદ્યોગને પણ વેગ આપનારો છે ત્યારે તેના વિકાસની આડે આવતો અવરોધ દૂર કર્યો છે. આ કાયદાની સંબંધિત સેક્શનની જોગવાઈ રદ કરવા માટે સરકારને વિધાનસભામાં વિધેયક પસાર કરાવવું જરૂરી હતું.
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગનો વિકાસ થશે. દેશ-વિદેશના રોકાણકારો ગુજરાતમાં આ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવા પ્રેરાશે અને તેનાથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. હોટલ એસોસિએશન તથા ગુજરાત વેપારી મહામંડળ દ્વારા રેસ્ટોરન્ટ શરૂ કરવા અને તેને ચલાવવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ લાઇસન્સ પ્રથા અંગેની જોગવાઈ દૂર કરવાની માંગણી સ્વીકારીને તેને અમલમાં મૂકવા કાયદામાં સુધારો કરી લીધો છે.