વિજય રૂપાણી : “સરકાર જ શાળાઓની ફી નક્કી કરશે”

આખરે ફી નિર્ધારણ મામલે માધ્યમો સમક્ષ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ નિવેદન આપવાની ફરજ પડી. મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટ કર્યું કે, “સરકાર જ શાળાઓની ફી નક્કી કરશે. હજુ આ મામલો સર્વોચ્ચ અદાલતને આધીન હોઈ, નિર્ણયમાં વિલંબ થયો છે. આ અંગેનું નિરાકરણ પણ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી જશે. શાળાઓ અત્યારે જે ફી લેશે તે પ્રોવિઝનલ ફી હશે. શાળા સંચાલકોએ વધારાની ફી લીધી હશે તો સરકાર રિફંડરૂપે તેને પરત અપાવશે. હમણાં વાલીઓ થોડી ધીરજ રાખે. રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં નથી આવી”

સરસ, આખરે મુખ્યમંત્રીએ દરમિયાગીરી કરવી પડી. આ બાબત સૂચવે છે કે, શિક્ષણમંત્રીનું કામ પણ હવેથી મુખ્યમંત્રીએ કરવું પડશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણમંત્રી તરીકે જે અત્યાર સુધી ભાંગરા વાટ્યે રાખ્યા તેની લીપાપોતી કરવા નાછૂટકે મુખ્યમંત્રીએ આગળ આવવું પડ્યું. રૂપાણીએ તો એ પણ સ્પષ્ટ કર્યું કે, ” જે શાળાઓ હજુ સુધી ફી નિર્ધારણ સમિતિ પાસે નથી ગઈ તેમણે પણ એફઆરસી સમક્ષ જવું જ પડશે”

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, શા માટે મુઠ્ઠીભર શાળાસંચાલકોને સાચવવા માટે સરકાર લાખો વાલીઓને હેરાન-પરેશાન કરી રહી છે ? આ લોકોને સરકાર કેમ કંટ્રોલ નથી કરી શકતી ? વાત સાચી જ છે. ઉદગમ, ડીપીએસ, આનંદનિકેતન, તુલીપ, પ્રકાશ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ત્રિપદા સહિતની અમદાવાદની જ 40 શાળાઓ 21 માર્ચ, 2018 ના બપોરના 12 કલાકના નિર્ધારિત સમય અનુસાર ફી અંગેનો પ્રસ્તાવ “ફી નિર્ધારણ સમિતિ” સમક્ષ રજુ કરવામાં નિષ્ફળ રહી છે. બીજા શબ્દોમાં એમ કહીયે તો પણ ચાલે કે, આ શાળા સંચાલકો તેમના આ વલણથી સ્પષ્ટ કરી દીધું કે, “સરકાર થાય તે ઉખાડી લે !”

શાળા સંચાલકોની આ દાદાગીરી સમજી શકાય તેવી છે. કારણ કે જિલ્લા કક્ષાએ સરકાર કે અદાલતોના નિર્ણયને માન્ય કરાવવા માટે નીમેલા જિલ્લા અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓ ‘ચૂપ’ અને ‘શાંત’ છે. આ અધિકારોની ચુપ્પી તેમના વરિષ્ટ અધિકારો અને ‘રાજકીય આકા’ઓની મોહતાજ છે. ગુજરાતના વાલીઓ અને પ્રજા જાણે છે કે આ “રાજકીય આકા” એટલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા. શિક્ષણમંત્રી તરીકે એક પણ જવાબદાર નિવેદન અત્યાર સુધીમાં તેમણે આ મુદ્દે આપ્યું હોય તેવું ક્યાંય ધ્યાનમાં આવ્યું નથી. તેઓ સતત નિવેદનો ફેરવ્યા કરે છે કે થૂંકેલું ચાટ્યા કરે છે. આજે તો વળી એવું પણ બોલ્યા કે, ‘વાલીઓ ગેરસમજ ન કરે”. કેમ ભાઈ ? શાળા સંચાલકોએ એટલો બધો ભાર વધારી દીધો છે તમારો કે તેમને કંઈ જ કહેવાની હિમ્મત નથી ? એવી તો કેવી ગોળી શાળા સંચાલકોને તમને ગળાવી દીધી છે કે તમને છેલ્લા 2 વર્ષથી હેરાન થતા વાલીઓ ગેરસમજુ અને ખોટા લાગે છે ?

એક વાલીએ તો નામ ના આપવાની શરતે કહ્યું કે, “શિક્ષણમંત્રીથી શેકેલો પાપડ ન ભાંગતો હોય તો કાઢો એમને. ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓ ભૂલ કરે તો તરત સસ્પેન્ડ કરો છો ! આ ભાઈ મન ફાવે ત્યારે ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી દે, નામંજૂર યુનિવર્સિટીઓમાં મુખ્ય અતિથિ બને, સરકારી શાળાઓ બંધ કરાવે, સરકારી શાળાઓમાં વર્ગખંડ ન હોય કે અપૂરતા હોય તો તેની જરાય ચિંતા ના કરે અને માત્ર ખાનગી શાળા સંચાલકોનો પાલવ પકડીને બેસી રહે એટલે શું પ્રજા મુર્ખી છે કે, શું ચાલી રહ્યું છે તેની લોકોને ખબર જ ના પડે ? મુખ્યમંત્રી શા માટે આવા નબળા શિક્ષણમંત્રીને તેમની જ્વાબદારીમાંથી છુટ્ટા નથી કરતા ? સરકારની એવી તો શું મજબૂરી છે ?” શિક્ષણમંત્રી ચુડાસમા શાળાઓમાં ફી નિર્ધારણ મામલે સદંતર નિષ્ફળ રહ્યા છે તે વાસ્તવિકતા છે.

આ સાથે તેમના વિભાગના એક મહિલા વરિષ્ટ અધિકારી જે સ્વયં “એનસીઈઆરટી” નો અભ્યાસક્રમ લાગુ કરાવવાના મૂડમાં છે અને તે રીતે પાઠ્યપુસ્તકો સમજ્યા વગર લાગુ કરી છપાવવાના ધંધામાં પડ્યા હોવાનો શિક્ષણ વિભાગના જ કેટલાક અધિકારોનો આરોપ છે. શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે કે, નવી નીતિને કારણે હવેથી ધોરણ-1 અને 2 માં એન સી ઈ આર ટી મુજબ પ્રજ્ઞા વર્ગ આધારિત શિક્ષણ પ્રથા અમલી બનશે. ધોરણ-3 થી 5 માં ભાષા અને ગણિતના નવા પાઠ્યપુસ્તકો આવશે, જ્યારે ધોરણ-6 અને 8 માં ગણિત અને વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકો 2019-20 થી અમલી બનશે. આ અભ્યાસક્રમ પૂર્વે શિક્ષકોને તાલીમબદ્ધ કરવાની કવાયત ચાલી રહી છે.

એક તરફ કેન્દ્રીય માનવસંસાધન મંત્રી જાવડેકર શિક્ષણવિદો સાથે મળીને ચિંતનશિબિરો કરી ‘એનસીઈઆરટી’ના અભ્યાસક્રમનો 50 % ભાર ઓછો કરવાની વાત કરે છે અને આ બહેન તેમના ‘સેટિંગ” યેનકેન પ્રકારેણ પૂરા કરવામાં લાગ્યા છે. અંદરની વાત તો એ પણ છે કે, અમદાવાદની પ્રકાશ હાઈસ્કૂલમાં એડમિશન મામલે આ અધિકારીનું સંચાલકો ના માન્યા એટલે તે ભડક્યા અને ચુડાસમા સાહેબના ખભાનો ઉપયોગ કરી ફી મામલે આખું તરકટ રચ્યું. જો કે, આ સમગ્ર વાત મામલે અત્યારે તો માત્ર આરોપ-પ્રત્યારોપ ચાલે છે, સત્ય શું છે તે તો તેઓ જ અને આવનારો સમય જ કહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *