હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે વલસાડ ખાતે ધોરણ 10 ના બોર્ડના પરીક્ષાર્થી સાથે અકસ્માત સર્જાયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર બાદ પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાયો હતો. પરીક્ષાને દોઢ કલાક બાકી હોવા છતાં તેને પેપર આપતાં અટકાવાયો હતો. જેથી તેણે અગાઉ પરીક્ષા કેન્દ્ર અનેડીઈઓને જાણ કરી હોવા છતાં પેપર આપતાં અટકાવાતાં ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
વર્ષ બગડે તો જવાબદાર કોણ
વલસાડમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપતાં આહિર જેનિશ હિતેશભાઈ આજે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. ત્યારે તેનો એક્સિડન્ટ સર્જાયો હતો. જેથી તેને સ્થાનિકોએ હોસ્પિટલ લઈ ગયા હતાં. આ સાથે જ સ્ટુડન્ટે જણાવ્યું હતું કે, સરપંચે ડીઈઓ અને પરીક્ષાકેન્દ્રમાં જાણ કરી હતી. બીજીતરફ સ્ટુડન્ટને પ્રાથમિક સારવાર આપીને પરીક્ષા કેન્દ્ર પર મોકલાયો હતો. ત્યારે પરીક્ષાને દોઢ કલાક બાકી હતો. છતાં આજે તેને ઈંગ્લિશનું પેપર આપતાં અટકાવાયો હતો. પેપર આપતાં અટકાવાતા સ્ટુડન્ટ તેના વાલી સાથે ક્લેક્ટરને ફરિયાદ કરવા પહોંચ્યો હતો. અને વર્ષ બગડે તો જવાબદાર કોણ તેવો સવાલ ઉઠાવ્યો હતો. હાલ ક્લેક્ટરે સ્ટુડન્ટ અને તેના વાલીનું આવેદનપત્ર સ્વિકારી વધુ તપાસ કરવા ધરપત આપી હતી.