આપણાં અમદાવાદ શહેરમાં ફરી એક વાર માનવતા મરી પરવારી હોય તેવી સભ્ય સમાજને કલંક લગાડતી ચાર ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે અને છેલ્લાં ૪૬ કલાકમાં ચાર બાળકીઓને ત્યજી દીધેલી પોલીસ ને મળી આવી છે.અને એક બાદ એક બાળકી મળી આવતા શહેરભરની પોલીસ હરકતમાં આવી છે. આપણાં શહેરના શાહીબાગ, વેજલપુર, એલિસબ્રિજ વિસ્તારમાંથી આ બાળકીઓ મળી આવી છે. અને શાહીબાગમાં આંખની હોસ્પિટલ પાસે દુપટ્ટામાં બાંધેલી નવજાત બાળકી કચરાપેટી પાસેથી મળી આવી, વેજલપુરમાં કાર નીચેથી અને રોડ સાઈડ પરથી એમ બે નવજાત બાળકી મળી,અને એલિસબ્રિજમાં કચરાની ગાડીમાંથી મૃત હાલતમાં ત્યજી દીધેલી બાળકી મળી છે.
જે અંગે પોલીસે ત્યજી દેનાર બાળકીની જનેતા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.અમદાવાદ પોલીસે અલગ અલગ પોલીસ મથકોમાં ૪ ગુના નોંધી આવી ક્રુર માનસિકતા ધરાવતી જનેતા અને બાળકીને મરવા છોડી દેનાર આરોપી વિરુધ્ધ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
અહી વેજલપુર પોલીસને તપાસ દરમિયાન એક મહત્વના સીસીટીવી મળ્યા છે કે જેમાં બાળકી છોડી જનારી જનેતા કેદ થઈ છે.અને બીજી બાજુ એલિસબ્રિજ પોલીસને ઘરે ઘરેથી કચરો એકઠી કરતી ગાડીમાંથી શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યુ છે. એટલે તે ગાડી કયા વિસ્તારમાં ફરી છે તેના રેકોર્ડની તપાસ પોલીસ કરી રહી છે.ઉપરાંત શાહિબાગ વિસ્તારમાંથી મળી આવેલી બાળકીને લઈ પોલીસ હોસ્પિટલનો રેકોર્ડ તપાસી બાળકીની માતા સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.