કાર ચલાવનારાઓ અને ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે (NHAI) એ હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવું પડે તેવો નિર્ણય લીધો છે. પણ આ સુવિધા ફક્ત કાર, જીપ કે વાન માટે જ છે અને કોમર્શિયલ વાહનોને આનો લાભ નહીં મળે.
મિનિમમ બેલેન્સનો નિયમ હોવાના કારણે ફાસ્ટેગનો ઉપયોગ કરતા અનેક લોકોને ફાસ્ટેગ ખાતામાં પર્યાપ્ત શેષ પૈસા હોવા છતા ટોલ પ્લાઝામાંથી પસાર થવાની મંજૂરી નહોતી મળતી અને આ કારણે ટોલ પ્લાઝા પર બિનજરૂરી બબાલ પણ થઈ જતી હતી. અહી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ તરફથી મળતા અહેવાલ પ્રમાણે હવેથી ફાસ્ટેગની સુવિધા આપનારાઓ બેંક સિક્યોરિટી ડિપોઝીટ સિવાય કોઈ પણ પ્રકારનું મિનિમમ બેલેન્સ રાખવું નહી પડે. અને પહેલા દરેક બેંક દ્વારા ફાસ્ટેગમાં સિક્યોરિટી ડિપોઝીટ ઉપરાંત મિનિમમ બેલેન્સ રાખવા માટે કહેવામાં આવતું હતું અને કેટલીક બેંક દ્વારા ૧૫૦ કે ૨૦૦ રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવામાં આવતુ હતુ.
NHAI દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પ્રમાણે હવે જ્યાં સુધી ગ્રાહકોના ફાસ્ટેગ વોલેટમાં નેગેટિવ બેલેન્સ ન હોય ત્યાં સુધી તેમને ટોલ પ્લાઝામાંથી પસાર થવાની અનુમતિ આપવામાં આવશે. અને જો ફાસ્ટેગ એકાઉન્ટમાં ઓછા પૈસા હોય તો પણ કારને ટોલ પ્લાઝા પાર કરવાની અનુમતિ મળશે.અને ટોલ પ્લાઝા પાર કર્યા બાદ ફાસ્ટેગ એકાઉન્ટ નેગેટિવ થવાની શક્યતા હોય તો પણ કારને ટોલ પ્લાઝા પાર કરવાની મંજૂરી અપાશે. જો કે કારચાલક કે ગ્રાહક તેને રિચાર્જ નહીં કરાવે તો નેગેટિવ બેલેન્સની રાશિ બેંક સિક્યોરિટી ડિપોઝીટમાંથી વસૂલ કરી શકે છે.