બીજેપીના ગુજરાતના હેડક્વાર્ટર કમલમમાં પ્રવક્તા ભરત પંડયા,કાર્યકારી મંત્રી પરેશ પટેલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પટેલ સહિત છ જણા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના કાર્યકરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમદાવાદના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્નીને પણ કોરોના પોઝિટીવ આવતા તેમને પણ હોમ ક્વોરન્ટાઈન થવું પડયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને એપોલો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
એક તરફ ગુજરાતની જનતા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેવો આગ્રહ સરકાર રાખી રહી છે, ભાજપના પ્રદેશ પ્રમુખ પોતાની રાજકીય બેઠકો કરવામાં કે પછી પક્ષના કાર્યકરોને મળવાના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યા આવતું હોવા છતાંય આમ જનતા પર શૂરવીરતા બતાવતું પોલીસ તંત્ર પણ લાચાર બનીને ખેલ જોયા કરે છે. નવા પક્ષ પ્રમુખ સી.આર. પાટિલનું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના બેફામ ફરવાનું અને મિટિંગો કરવાનું વલણ ગુજરાતને અને ગુજરાતની જનતા માટે જોખમકારક સાબિત થઈ શકે છે.
ભાજપના પ્રવક્તા ભરત પંડયાને મેઘાણીનગરમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ભાજપના કાર્યકારી મંત્રી પરેશ પટેલને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓ અને કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પટેલ પણ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા હોવાનું પ્રવક્તા પ્રશાંત વાળાએ જણાવ્યું હતું.
આ સાથે જ ભાજપના ગુજરાતભરના કાર્યકરોને જરૂર ના હોય તો કમલમમાં ના આવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. ભાજપ કાયદાથી પર હોય તે રીતે તેના નેતાઓ અને કાર્યકરો વર્તન કરી રહ્યા છે તેનાથી સામાન્ય જનતાના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે.