અમદાવાદનો ફતેહવાડી વિસ્તાર ગુનાઓનો એપિસેન્ટર હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં ગત રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. ફતેવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં બાઈક પર આવેલા શાહરુખ નામના શખ્શે જાવેદ પટેલ નામના વ્યકિત પર બે રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયો હતો. ફાયરીંગમાં જાવેદના પેટના ભાગે એક ગોળી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ ઘટનાના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત એવી છે કે, સરખેજમાં રહેતા જાવેદ પટેલ તેના સાસુ તથા સાળીને કોઈ શખ્શ ફોન પર ધમકી આપી રહ્યો હોવાથી તે તેની પત્ની સાથે ફતેહવાડી સ્થિત તેના સાસરે પહોંચ્યા હતા. જ્યાં બાઈક પર આવેલા શાહરૂખ નામના શખ્શે જાવેદ પટેલ પર ફાયરીંગ કર્યુ હતુ અને ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ફાયરિંગ કરનાર શાહરૂખનો ભાઈ સલમાન અને જાવેદ પટેલની સાળી એક સાથે નોકરી કરતા હોવાથી બંને વચ્ચે અફેર હોવાની વાત પ્રસરી હતી. જે બાબતે શાહરુખ નામના શખ્સે આજે જાવેદ ના સસરા ના ઘરે આવી તેની સાળીને માર માર્યો હતો. આથી જાવેદે શાહરુખને આ બાબતે સમજાવતા શાહરુખે બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં એક ગોળી જાવેદના પેટના ભાગે લાગી જતા સારવાર અર્થે દાખલ કરાયો છે.
પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે, પરંતુ ફતેહવાડીમાં છાસવારે બનતી ફાયરીંગની ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.