વડોદરાના ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બેંકો સાથેની ૨૬૫૪ કરોડની છેતરપિંડી મામલે અમિત ભટનાગર ઉપરાંત સુરેશ અને સુમિત ભટનાગરની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇ અને એટીએસ દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલના માનીતા અમિત ભટનાગરને ઈડીએ સમન્સ મોકલી હાજર થવા ફરમાન કર્યું હતું.
બેંકો સાથે છેતરપીંડી કરવાના કેસમાં અમિત ભટનાગરના ઘર અને ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા હતા. અને વાંધાજનક માહિતી તથા દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. જોકે સીબીઆઈ દરોડા પાડે તે પહેલા જ અમિત ભટનાગર અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. ત્યાર બાદ સીબીઆઈ કોર્ટે ત્રણેય વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. તેમજ કોર્ટે ત્રણેય આરોપીની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
સીબીઆઇને અમિત ભટનાગરની ઓફિસમાંથી તપાસ દરમિયાન મળેલી હાર્ડડિસ્કમાં બે પ્રધાન અને પાંચ આઇએએસ અધિકારી સાથેની વાતચીતની ક્લીપ મળી હતી. ત્યારે હવે અમિત ભટનાગર ઝડપાયા બાદ તેની પૂછપરછમાં કૌભાંડ મામલે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે. અમિત ભટનાગરના દિગ્ગજ નેતાઓ તેમજ પ્રધાનો સાથે સંબંધો છે. ત્યારે બેંકોને ચૂનો ચોપડવામાં કોની-કોની સંડોવણી છે તેની માહીતીઓ અમિત ભટનાગર પાસેથી મળી શકશે.