અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આવેલી રાજપૂત યુવાસંઘ સંચાલિત નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા IAS-IPS કેરિયર સ્ટડી સેન્ટર સંકુલમાં આવેલી હોસ્ટેલમાં દારૃ પીને આવેલા કેટલાક શખ્સો સાથે ગાળાગાળી અને મારામારી થતા સ્થાનિક લોકોનાં પાર્કિંગમાં પડેલા વાહનો સળગાવતા અફડાતફડી મચી ગઈ હતી.
મોડી રાત્રે આંબાવાડીના ભુદરપુરા ખાતે આવેલી નૈનાબા જાડેજા હોસ્ટેલ પર 500થી વધુના ટોળાએ હુમલો કરતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો. લગભગ 10.30 વાગે શરૂ થયેલી આ ધમાલ રાત્રે 1.00 વાગ્યા સુધી ચાલુ હતી. દારૂ પીધેલી વ્યક્તિએ કરેલી બબાલ બાદ મામલો બિચક્યો હતો. પોલીસને જાણ કરી હોવા છતાં અડધો કલાક સુધી પોલીસ પહોંચી નહોતી. એટલું જ નહીં ફાયરબ્રિગેડનાં વાહનોને પણ અટકાવાયાં હતા.
લગભગ 1 કલાક બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હોસ્ટેલ પર પહોંચી શકી હતી. આ ધમાલમાં 3 યુવાનો અને ફાયરબ્રિગેડના 1 કર્મચારીને ઇજા પહોંચી છે. ઉશ્કેરાયેલા લોકોએ કમ્પાઉન્ડમાં પડેલાં ટુ-વ્હીલર સળગાવી પથ્થરમારો કર્યો હતો ને લિફ્ટને પણ નુકસાન કર્યું હતું.ઘટનાની જાણ થતા તરત જ પોલીસનાં ૨૫ જેટલાં વાહનો અને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ડીસીપી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વાહનો સળગતા લોકોના ટોળેટોળા સ્થળ પર પહોંચી ગયા હતા. તેમને વીએસમાં સારવાર આપી રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં 15થી વધુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.