સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ એક પરિપત્ર બહાર પાડયો છે. જેના પગલે વિવાદ સર્જાયો છે.આ પરિપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, મીડિયાએ પોલીસ મથકમાં પ્રવેશ મેળવવા માટે હવે મંજૂરી જરૂર લેવી પડશે. ગુનાના સ્થળે હવે મીડિયાકર્મીઓ પર નિયંત્રણ રાખવાનો આદેશ અપાયો છે. એટલે કે મીડિયા પર રોક લગાવતું જાહેરનામું કહી શકાય. ત્યારે અમુક સવાલ એ ઊભા થાય છે કે, મીડિયા તો માત્ર સમાજની વાસ્તવિકતાને છતી કરવાનું કામ કરે છે. તો પછી મીડિયાકર્મીઓ પર નિયંત્રણ શા માટે? પ્રજા સુધી ચોક્કસ અને સચોટ માહિતી પહોચાડવી જરૂરી છે અને સચોટ માહિતી ના પહોંચે તે માટેના આ કારસાથી મીડિયા જગતમાં પણ રોષ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પત્રકારોની માન્યતા સંબંધિત નવો ફેરફાર કર્યા હતો. ફેક ન્યૂૂઝ અર્થાત બનાવટી સમાચારો ચલાવતા પત્રકારોની માન્યતા રદ કરવાની જોગવાઇના આ નવા નિયમો કેન્દ્ર સરકારે પરત ખેચ્યા હતો.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું હતું કે ફેક ન્યૂઝ લખનારા અને ચલાવનારા પત્રકારોની માન્યતા હંમેશાં માટે રદ કરી દેવામાં આવશે. આ નવી જોગવાઇ અનુસાર પહેલી વાર ફેક ન્યૂઝ સાબિત થવા પર સંબંધિત પત્રકારની માન્યતા છ મહિના માટે રદ કરવામાં આવશે. ત્યાર બાદ જો બીજી વખત અને ત્રીજી વખત પણ આવી ફરિયાદ મળશે તો તે પત્રકારની કાયમ માટે માન્યતા રદ કરી નાખવામાં આવશે.
ફેક ન્યૂઝની તપાસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવશે. પ્રિન્ટ મીડિયા સંબંધિત મામલાની તપાસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇલેકટ્રોનિક મીડિયાની તપાસ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવશે.