ખોડલધામના અધ્યક્ષ તેમજ પાટિદારના કદાવર નેતા નરેશ પટેલના રાજીનામા બાદ તેમના સમર્થનમાં અનેક કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી પ્રમાણે નરેશ પટેલે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમજાવટ બાદ નરેશ પટેલે રાજીનામું પરત ખેંચી લીધું છે. આ પહેલા પરેશ ગજેરાએ કહ્યું હતું કે નરેશ પટેલ જ અમારા આગેવાન છે. જો તેઓ રાજીનામું આપશે તો હું પણ રાજીનામું ધરી દઈશ. નોંધનીય છે કે પરેશા ગજેરા ખોડલધામના પ્રમુખ છે.
રાજકોટમાં પાટીદારોની સૌથી મોટી તાકાત ગણાતા ખોડલધામમાં રાજીનામાનું રાજકારણ રમાઈ રહર્યુ હતુ જેમાં નરેશ પટેલનું રાજીનામું પાછુ ખેંચી લેવાથી પડદો પડી ગયો છે.
વિદ્યાર્થીઓ સાથે વાતચીત
રાજકોટમાં નરેશ પટેલના રાજીનામાના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પાટીદાર વિદ્યાર્થીઓએ ઉપવાસ કરીને વિરોધ નોંધાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓના આવા આયોજન બાદ નરેશ પટેલે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાંતિ તેમજ સંયમ જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતે જે નિર્ણય કરશે તે વિદ્યાર્થીઓના હિતમાં હશે. મંગળવારે નરેશ પટેલ બરોડા હતા જ્યારે આજે રાજકોટ પહોંચશે. રાજકોટ પહોંચ્યા બાદ તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ અંગે આગેવાન વર્ષિલ પટેલે જણાવ્યું કે નરેશભાઈએ રાજીનામુ આપ્યું છે તેવું અમે અમારા સોર્સમાંથી જાણ્યું છે, તેઓ અમારા માટે ગુરુ છે, ખોડલધામમાં અનેક વિશ્વવિક્રમો તેમના પ્રયાસોથી થયા છે, તેઓનું રાજીનામુ જરાય યોગ્ય નથી અને તમામની માંગ છે કે તેઓ રાજીનામુ પાછુ ખેંચે.
નરેશ પટેલના રાજીનામાની વાત બાદ તેના સમર્થનમાં અમરેલી તાલુકા ખોડલધામ પ્રમુખ ભરત ચકરાણીએ રાજીનામું આપી દીધું છે. ખોડલધામ યુવા ગ્રુપના શીવલાલ હપાણી અને ભુપત સાવલિયાએ રાજીનામું ધરી દીધું છે.
ખોડલધામ સાઉથ ઝોન કન્વિનર સુધીર પટેલ પણ રાજીનામું આપશે. બોટાદ જિલ્લા ખોડલધામ કન્વીનર પદેથી સી.એલ. ભીકડીયા રાજીનામું આપશે. તો ઉપલેટાના કન્વીનર વિઠ્ઠલભાઈ વોરા સહિતની ટીમ પણ રાજીનામું આપશે. ગુજરાત ખોડલધામ યુવા સમિતિના ચેરમેન લાભેશ પારખીયાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ગોંડલ ખોડલધામના કન્વીનર રાજુભાઈ સોજીત્રાએ પણ રાજીનામું આપી દીધું છે.