ઉના દલિત કાંડના પીડિતો સાથે સરકારે છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આરોપ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા સરકાર પર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આનંદીબેન સરકારે આપેલું વચન રૂપાણી સરકારે પાળ્યુ નથી.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આરોપ લગાવતા આનંદીબેને આપેલું વચન રૂપાણીએ પાળ્યું નથી તેમ જણાવ્યું હતું. જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું હતું કે સરકાર દ્વારા પીડિતો સાથે છેતરપિડી કરવામાં આવી છે. ઉનાના સમઢિયાળા ગામ ખાતે દલિતો પર થયેલા અત્યાચાર બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા જાત મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પીડિતોને ઘરનો પ્લોટ, બીપીએલ કાર્ડ, ખેતીની જમીન સરકારી નોકરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે આજ દિન સુધી પૂરી થઈ નથી. આનંદીબેન પછી સત્તા સંભાળનારા અને હાલમાં પણ મુખ્યમંત્રી તરીકે કામકરતા વિજય રૂપાણીએ આનંદીબેને આપેલા વચનોની પૂર્તિ કરી નથી. પૂર્વ સરકારે કરેલી જાહેરાત હાલમાં સરકારના રેકર્ડ પર ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં આગામી 29મી માર્ચે પીડિત પરિવાર દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે ઉનાના સમઢિયાળા ગામ ખાતે જુલાઈ 2016ના રોજ યુવાનોને જીપ સાથે બાંધી અત્યાચાર ગુજાર્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રીએ આપેલા વચનો રૂપાણી સરકાર દ્વારા પાળવામાં ન આવ્યાનું જણાવીને ઉનાના દલિત પરિવાર દ્વારા ટૂંક સમયમાં બુદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવનારો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જુલાઈ 2016મા ઉનાના મોટા સમઢીયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત પરિવાર પર ગૌ રક્ષકો બર્બરતાપૂર્વક તૂટી પડ્યા હતા અને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ત્યાર બાદ ગુજરાત સરકાર ભીંસમા આવી હતી અને 45 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં તે સમયના ઉના પીઆઇ સહિત 4 પોલીસ કર્મીની પણ ધરપકડ કરાઈ હતી. આશરે દોઢ વર્ષ બાદ દલિત પીડિત પરિવારના સભ્યો મંગળવારે 20 માર્ચે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટને હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવવા જય રહ્યાં હોવાનું આવેદન પત્ર મારફતે જાણ કરી હતી.