ધનસુરા-અમદાવાદ રોડ પર રોઝડ નજીક આવેલા ખારાદેવીયા ગામના પાટીયા પાસેથી રવિવારે વહેલી સવારના પસાર થતી એક ટ્રક અને હોન્ડા સીટી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા નરોડાના ચાર વ્યકિતઓના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા, જયારે અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા અન્ય ત્રણ વ્યકિતઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તલોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી અન્યત્ર વધુ સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માતને પગલે આસપાસમાંથી ગ્રામજનોએ દોડી આવી બચાવ કામગીરી કરી હતી, જયારે ઘટના સંદર્ભે તલોદ પોલીસને જાણ થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતની ઘટના અંગે પ્રાપ્ત થયેલ વિગત અનુસાર રવિવારે વહેલી સવારના અમદાવાદના નરોડામાં રહેતા કચ્છી પટેલ નાનજીભાઇ માવજીભાઇ પટેલ પોતાના પરિવારજનો સાથે હોન્ડા સીટી કાર નં.જીજે.૧.એચકે.૮૦૫૩માં બેસી વાયા દહેગામ થઇ ઉદેપુર તરફ જવા નીકળ્યા હતા ત્યારે સવારે સાડા છએક વાગ્યાના સુમારે રોઝડ નજીકના ખારાદેવીયા ગામના પાટીયા પાસેથી કાર પસાર થતી હતી તે દરમિયાન રેતી ખાલી કરી પુરપાટ ઝડપે આવતા ટ્રક નં.જીજે.૧૮.એટી.૯૧૯૬ અને હોન્ડા સીટી કાર નં.જીજે.૧.એચકે.૮૦૫૩ વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં ચાર વ્યકિતઓના તો ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
જેમાં પાંચ વર્ષની બાળકી હનીબેન જીતેન્દ્રભાઇ પટેલ, નાનજીભાઇ માવજીભાઇ પટેલ, લીલાબેન નાનજીભાઇ પટેલ અને શારદાબેન ચંદુભાઇ પટેલના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતા, જયારે કારમાં બેઠેલા અન્ય ત્રણ વ્યકિતઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે તલોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાંથી ત્રણેયની સ્થિતિ જોઇ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયા છે. ગોજારા અકસ્માતની ઘટના બાદ આસપાસના ગ્રામજનોએ પણ ઘટના સ્થળે દોડી આવી કારમાં મૃત્યુ પામેલ તેમજ ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી બચાવ કામગીરી કરી હતી, જયારે બીજીબાજુ તલોદ પોલીસને પણ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તલોદ પોલીસે જયંતિભાઇ પટેલની ફરિયાદ આધારે જીવલેણ અકસ્માત સર્જી ચારને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.