લગ્ન સમારંભોમાં હવે 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. હવે લગ્નમાં કોઇ પણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો બોલાવી શકાશે. પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે.
કોઇ પણ સભાગૃહની 50 ટકા સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. અને કાર્યક્રમ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન હોવો જોઇએ. અનલૉકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે. 23 માર્ચથી લૉકડાઉન લાગુ થયા બાદ આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે પર્યટન-સંસ્કૃતિના ક્ષેત્ર કોરોના મહામારીના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેક્ટર્સ માથી એક છે. હોટલ ઇન્ડસ્ટ્રીની રેવન્યૂનો મોટો હિસ્સો ત્યાં મીટિંગ, કોન્ફરન્સ તથા એક્ઝિબિશન જેવા આયોજનોથી મળે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને સૂચન કરાયું છે કે હોટલ્સના બેન્ક્વેટ હૉલ, કોન્ફરન્સ રૂમમાં 50% ક્ષમતામાં લોકોને આમંત્રિત કરીને આયોજનની છૂટ આપવામાં આવે. આ અંગે ગૃહ સચિવ સાથે પણ વાત થઇ છે. તેઓ આ દરખાસ્ત અંગે સહમત છે.
જો લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરવાના હોય તો લગ્ન સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ. તેવી જ રીતે 200 દર્શકો માટે 400ની ક્ષમતાવાળું સભાગૃહ હોવું જોઇએ.
અનલૉકની આવનાર ગાઇડલાઇનમાં મલ્ટિપ્લેક્સ અને થિયેટર ખોલવા અંગે પણ નિયમો આવી શકે છે. મૉલ ખોલવાની મંજૂરી બાદ થિયેટર તથા મલ્ટીપ્લેક્સ માલિકો પણ એક તૃતીયાંશથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની માગ કરી રહ્યા છે. સરકાર જે કંઇ તકેદારીઓ રાખવા કહેશે તેનું વાસ્તવિક રીતે પાલન કરીશું.