નાના વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડરના લસકાણામાં આવેલ નવનિર્મીત સિધ્ધી વિનાયક ગ્રીન બિલ્ડીંગના ફ્લેટમાં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર સૌરાષ્ટ્રની નામચીન ગેંગના 4 ગેંગસ્ટરને 4 પિસ્તોલ 13 કારતૂઝ અને 2 ચપ્પુ સહિતના ઘાતક હથિયારો સાથે સરથાણા પોલીસે ધરપકડ કરી છે.
કામરેજના લસકાણા વિસ્તારમાં આવેલ બ્લોક નં.59 બ માં સિધ્ધી વિનાયક ગ્રીન બિલ્ડીંગ નામે બાંધકામ કરી રહેલા બિલ્ડર રાજુ રવજી દેસાઇએ અધિક પો. કમિશનર પી.એલ. મલ ને રૂબરૂમાં રજુઆત કરી હતી કે તેમના પ્રોજેક્ટના ડી બિલ્ડીંગના ત્રીજા માળે ફ્લેટમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો છે. જેથી તુરંત જ સરથાણા પોલીસ ઉપરોક્ત સ્થળે પહોચી ગઇ હતી અને ફ્લેટમાં તપાસ કરતા સલીમ ઇબ્રાહીમ ઠેબા (ઉ.વ. 44 રહે. જમાલવાડી કબ્રસ્તાન નજીક, જુનાગઢ) ને કમરના ભાગે 4 કારતૂઝથી લોડેડ પિસ્તોલ, સાજીત સુલતાન ઠેબા (ઉ.વ. 24 રહે. સુખપુર પાણીની ટાંકી પાસે, તા. સુખપુર, જિ. અમરેલી) પાસેથી 4 કારતૂઝથી લોડેડ પિસ્તોલ, હનીફ અલ્લારખા દરઝાદા (ઉ.વ. 44 રહે. કુંભારવાડા, બારા સૈયદ રોડ, જુનાગઢ) પાસેથી પણ 4 કારતૂઝથી લોડેડ પિસ્તોલ અને ઉમર કાસમ પટણી (ઉ.વ. 37 રહે. મોટા સૈયદવાડા, જીવાસા ચકલા, જુનાગઢ) પાસેથી મેગઝિન વિનાની પિસ્તોલ અને 1 કારતૂઝ મળી આવ્યો હતો. ચારેય પાસેથી મેઇડ ઇન મુનગેઇર (બિહાર) બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસ પણ અચંબા માં આવી ગઈ હતી.
પોલીસે 4 આરોપીના રહેઠાણની તલાશી લેતા તેમાંથી 2 ચપ્પુ પણ મળી આવ્યા હતા. સરથાણા પોલીસે ચારેય વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે ફ્લેટમાં ઘુસણખોરી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરના પગલાં હાથ ધર્યા હતા. પોલીસે આ 4 આરોપીની પૂછપરછમાં તેઓ સૌરાષ્ટ્રની નામચીન ગેંગના સાગરિત હોવાનું બહાર આવ્યું છે. સિધ્ધી વિનાયક બિલ્ડીંગના બિલ્ડર સાથેના કરોડો રૂપિયાની લેતીદેતીના વિવાદમાં તેઓ સુરત આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરંતુ હાલ આ અંગે પોલીસ દ્વારા કોઈપણ માહિતી આપવા માટે ઇનકાર કર્યો છે અને ગુપ્ત રીતે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
લસકાણા ખાતે સિધ્ધી વિનાયક બિલ્ડીંગ નામે કન્સ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર રાજુ રવજી દેસાઇએ વિપુલ નામના ફાઇનાન્સર પાસેથી 4 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. મળેલ માહિતી અનુસાર રાજુ રવજીભાઈ દેસાઇએ વ્યાજ સહિત 4 કરોડની રકમ ચુકવી દીધી હતી. પરંતુ વિપુલે 4 કરોડની સામે 33 કરોડની માંગ કરી હતી.જેથી વિપુલ સાથે વિવાદ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજુ દેસાઇએ જેની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તે વિપુલ આ પહેલા બહુચર્ચિત બીટકોઇન કેસમાં સંડોવાયેલો છે.