આગ્રામાં 34 મુસાફરો સાથે એક બસને હાઈજેક કરી જનારા બદમાશો અને પોલીસ વચ્ચે આજે સવારે ફતેહાબાદ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબાર માં એક બદમાશને પગમાં ગોળી વાગી હતી જ્યારે બીજો એક બદમાશ ભાગી જવામાં સફળ રહ્યો હતો.
આ પહેલાના રિપોર્ટ અનુસાર, આ બસ માટે ફાઇનાન્સ કરનારા ફાઇનાન્સરે બસ માલિક લોનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જતાં બસ પોતાને કબ્જે લીધી હતી અને હાઇવે પર બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને છોડી મૂક્યા હતા. ત્યારબાદ બસને આગળ લઇ ગયો હતો અને ઝાંસીમાં 34 મુસાફરોને પણ છોડી મૂક્યા હતા હતા. ઇજાગ્રસ્ત થયેલા બદમાશની ઓળખ પ્રદીપ ગુપ્તા તરીકે થઇ હતી. એની પૂછપરછ ચાલુ હતી.
મળેલ માહિતી અનુસાર, આ પ્રદીપ ગુપ્તા જ ફાઇનાન્સર હોવાનું કહેવાય છે. ગઇ કાલે રાત્રે ત્રણ વાગ્યે આ બસ ગુરૂગ્રામથી ઝાંસી, છતરપુર, પન્ના વગેરે સ્થળોના મુસાફરોને લઇને નીકળી હતી. આગ્રાના બાયપાસ પાસે બસ પહોંચી ત્યારે કારમાં આવેલા બદમાશોએ બસ કબજે કરી ડ્રાઇવર તથા કંડક્ટરને પોતાની સાથે કારમાં લીધા હતા. કારમાં આવેલો એક બદમાશ બસ ચલાવતો થયો હતો. બસમાં ઊંઘી રહેલા મુસાફરોને આમાંથી કોઈપણ વાતની ખબર નહોતી. પાછળથી બધા મુસાફરોને સુરક્ષિત બીજા વાહન દ્વારા ઝાંસી પહોંચતા કરવામાં આવ્યા હતા.
પાછળથી બસને ઇટાવામાં પોલીસે કબજે કરી હતી. આજે સવારે પોલીસ અને બદમાશો વચ્ચે ગોળીબાર થયો હતો. કારમાં આવેલા અન્ય બદમાશોની પોલીસ તપાસ કરી રહી હતી.
બસ હાઈજેક થઈ ત્યારે શરૂમાં પરસ્પર વિરોધી લાગે એવા રિપોર્ટ વહેતા થયા હતા.પછીથી જાણવા મળ્યું કે આ બસનું અપહરણ ફાઇનાન્સરે કરાવ્યું હતું કારણ કે લોનના હપ્તા નિયમિત ચૂકવાતા નહોતા.