કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે 2020નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં સતત ચોથા વર્ષે ઈન્દૌર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. ત્યારબાદ બીજા ક્રમ પર ગુજરાતનું સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઈનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દૌરના લોકોનો આભાર માન્યો છે.
બીજી તરફ એક લાખથી વધુની કેટગરીમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. આ પહેલા સુરત 14માં ક્રમે હતું. અને આ વર્ષે બીજા ક્રમે પહોંચ્યું છે. હરદીપ પુરીએ સુરત માટે CM વિજય રૂપાણીની પ્રશંસા કરી હતી. જ્યારે નવી મુંબઈની સફળતા માટે CM ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે રહ્યું છે. ઈન્દૌરને કુલ 6000 માર્કસમાંથી 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરતને 5519.59 માર્કસ મળ્યા છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.
સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત દેશના નાગરિકોમાં સ્વચ્છતામાં ભાગીદારી વધારવા માટે કરવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2020 છેલ્લા 28 દિવસમાં પૂર્ણ થયું છે. ગુરુવારે યોજાનારા ‘સ્વચ્છ મહોત્સવ’ માં ‘સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ સિવાય સ્વચ્છ સર્વેક્ષણ ઇનોવેશન, સ્વચ્છ સર્વેક્ષણ સોશ્યલ મીડિયા અને ગંગાના કાંઠે આવેલા શહેરો’નો પણ અહેવાલ જાહેર કરાયો હતો.