ઉત્તરપ્રદેશના આગ્રામાં 34 મુસાફરો ભરેલી બસ ને હાઈજેક કર્યાની ઘટના સામે આવી છે. બસ હાઈજેકની ઘટનાથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. મળેલ માહિત અનુસાર, ગુરૂગ્રામથી મધ્ય પ્રદેશ જઇ રહેલી પ્રાઇવેટ બસને હાઈજેક કરી લેવામાં આવી છે. ડ્રાઇવર અને કન્ડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવી છે. બસમાં કુલ 34 મુસાફરો સવાર હતા. મળેલ માહિતી અનુસાર બસ માલિકે બસના 8 હપ્તા ભર્યા નહોતા અને તેનું રાત્રે જ નિધન થયું હતુ.
પોલીસ ચારેબાજુ તપાસ કરી રહી હતી. મલપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દક્ષિણી બાયપાસ પાસે મંગળવારે રાત્રે આ ઘટના ઘટી હતી. કારમાં આવેલા બદમાશોએ બસ રોકી હતી. પહેલાં ડ્રાઇવર અને કંડક્ટરને બાંધી દીધા હતા. ત્યારબાદ બદમાશોનો એક સાથીદાર ડ્રાઇવરની સીટ પર બેસી ગયો હતો અને બસને અજાણ્યા સ્થળે લઈ ગયો હતો, બસમાં કુલ 34 મુસાફરો હતા. પાછળથી ડ્રાઇવર કંડક્ટરને હાઇવે પર ઊતારી દેવામાં આવ્યા હતા.
ડ્રાઇવર કંડક્ટરે પોલીસને જાણ કરતાં સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મળેલ માહિતી અનુસાર, બસના માલિકે લોનનો હપ્તો ચૂકવ્યો નહોતો એટલે ફાઇનાન્સ કંપનીના માણસો બસને ઉપાડી ગયા હતા. ઉત્તરપ્રદેશ પોલીસે મધ્ય પ્રદેશની પોલીસની મદદ પણ લીધી હતી. પરંતુ બસનો કે બસમાંના મુસાફરોનો કોઇ પતો લાગ્યો નહોતો.