બેંગ્લુરૂમાં સોશિયલ મીડિયા પર મોહમ્મદ પયગંબર સાહેબ વિરૂદ્ધ લખાયેલી એક પોસ્ટના પગલે બેંગ્લુરૂના કેજી હલ્લી અને ડીજે હલ્લી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મંગળવારની મોડી રાતે ભારે કોમી રમખાણો થયા હતા.
બેંગલુરુમાં હિંસાએ ભયાનક સ્વરૂપ લઈ લીધુ હતું કે આ વિસ્તારમાં તરતજ કર્ફ્યુ જાહેર કરી દેવાયો હતો અને બેંગ્લુરૂમાં લાગુ કરાયેલી 144 ની કલમ ગુરૂવારે પણ લંબાવાઈ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ગોળીબાર કરવો પડયો, જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. ઉપરાંત આ હિંસામાં 60થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં SDPI ના નેતા સહિત 146 લોકોની ધરપકડ કરી છે.
બેંગલુરૂ માં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CRPF અને CISF ની કેટલીક કંપનીઓ ઉપસ્થિત કરાઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ આ ઘટના પાછળ જવાબદાર લોકો વિરૂદ્ધ સખત કાર્યવાહીના સંકેત આપ્યા છે.
કર્ણાટકના મંત્રી સીટી રવિએ જણાવ્યુ હતું કે,આ રમખાણઓ પૂર્વનિર્ધારિત હતા. રમખાણોમાં 300થી વધુ વાહનો સળગાવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની જેમ જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત શહેરમાં હિંસા કરનારા લોકોની સંપત્તિઓમાંથી કરવામાં આવશે.
બેંગ્લુરૂમાં કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ સોશિયલ મીડિયા પર મોહમ્મદ પયગંબર સાહેબ પર વિવાદગ્રસ્ત પોસ્ટ કરી હતી. જોકે, ત્યાર પછી તેણે આ પોસ્ટ ડીલીટ કરી હતી. કથિત રૂપે ઉશ્કેરણીજનક પોસ્ટ અંગે ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના બેંગ્લુરૂ સિૃથત આવાસ બહાર મોટી સંખ્યામાં ટોળું એકઠું થઈ મૂર્તિના નિવાસ પર હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી હતી.
આ દરમિયાન ટોળાને અટકાવનારી પોલીસ પર પણ ભારે પત્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 60થી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આખરે પોલીસે ભીડ પર નિયંત્રણ કરવા માટે ગોળીબાર કરવો પડયો અને ત્યાર પછી આ વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય મૂર્તિના ભત્રિજાએ દાવો કર્યો હતો કે તેનું ફેસબૂક એકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેણે પયગંબર વિરૂદ્ધ કોઈ પોસ્ટ નથી કરી. બીજી તરફ કેટલાક સંગઠનોએ ડીજે હલ્લિ પોલીસ સ્ટેશનમાં મૂર્તિના ભત્રીજા વિરૂદ્ધ કિથત ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન ટોળાએ ધારાસભ્યના ઘરની સાથે ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો.
પોલીસે ભીડને દૂર કરવા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. અચાનક ફાટી નીકળેલા આ રમખાણમાં પોલીસ કર્મચારીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. બેંગ્લુરૂ સિટી પોલીસ કમિશનર કમલકાંતે જણાવ્યું હતું કે ફેસબૂક પર પોસ્ટ વાઈરલ થયા પછી આ વિસ્તારમાં લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. અમારા અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી રહ્યા હતા. પરંતુ પાછળથી તેઓ પત્થરબાજી કરવા લાગ્યા. ઉપરાંત તેમણે 300થી વધુ વાહનોમાં આગ લગાવી દીધી.
કોમી હિંસા ફાટી નિકળ્યા બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ જણાવ્યું કે ગુનેગારો વિરૂદ્ધ કઠણ પગલાં લેવાનો આદેશ આપી દેવાયો છે અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકાર બધા જ પગલાં ઉઠાવશે. હિંસાની ટીકા કરતાં કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી. કે. શિવકુમારે જણાવ્યું કે અમારો પક્ષ આ ઘટનાની આકરી ટીકા કરે છે. મેં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અમે શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે સરકારને સંપૂર્ણ સમર્થન આપીશું.