નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના 5 રાજ્યોમાં ભારે વરસાદ, બિહારમાં 77 લાખ લોકો પૂરગ્રસ્ત

રાષ્ટ્રીય હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે સમગ્ર દેશમાં અને ખાસ તો દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હતી. સાઉથ વેસ્ટ પવનના કારણે  દેશના મોટા ભાગના વિસ્તારોમાં આગામી બે ત્રણ દિવસ મૂસળધાર વરસાદ પડવાની શક્યતા છે.

દેશની રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે. માત્ર બિહારમાં જ 77 લાખ લોકોને પૂરની વિપરીત અસર થઇ હતી અને સેંકડો ગામડાં આ પરિસ્થિતીનો ભોગ બન્યા હતાં.

અત્યાર સુધી અતિભારે વરસાદના કારણે બિહારમાં 16 જિલ્લાઓમાં ભારે પૂર આવ્યાં હતાં અને કુલ 77 લાખથી વધુ લોકોને પૂરની પ્રતિકૂળ અસર થઇ હતી. એકલા બિહારમાં 22 નદીઓમાં પૂર આવ્યાં હતાં. એને કારણે સેંકડો ગામો પૂરમાં ફસાયાં હતાં.

દેશનું પાટનગર નવી દિલ્હીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદના પગલે ઠેર ઠેર ઘૂટણ સુધી અને ક્યાંક તો 4 થી 5 ફૂટ ઊંડાં પાણી ભરાયાં હતાં. મોટા ભાગના અન્ડરબ્રિજ પાણીથી છલોછલ ભરેલા હતા.

મધ્ય પ્રદેશમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 8 જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ હતી. રાષ્ટ્રીય હવામાન વિભાગે  પંજાબ, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાનના પૂર્વ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. રાષ્ટ્રીય અને રાજ્યોના નેશનલ ડિઝાસ્ટર રિલિફ વિભાગને સાબદા કરાયા હતા.

ઉત્તરાખંડમાં બદરીનાથ અને કેદારનાથ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખડકો ધસી પડતાં ટ્રાફિક જામ ની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી જે હજુ સુધી પૂરેપૂરો નોર્મલ થયો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *