કોરોના મહામારી વચ્ચે દેશમાં અત્યારે ઓનલાઈન છેતરપિંડી થવાની ઘટના દિવસે દિવસે વધતી જાય છે. એવામાં એક આવી જ ઘટના સામે આવી છે. સાયબર ક્રાઇમે PAYTMમાં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપીઓને ઝડપી લીધા છે. દેશભરમાં 25 લાખથી પણ વધુ લોકોને મેસેજ કરી પોતાના માયાજાળમાં ફસાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
મળેલ માહિતી અનુસાર, PAYTMમાં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટર માઈન્ડ છે. પરંતુ સાયબર ક્રાઇમે અન્ય આરોપી મોહસીન ખાનના બેંક એકાઉન્ટથી સોહિલ ખાન સુધી પહોંચી શકી છે. આ ઘટનામાં ઝડપાયેલ આરોપી આમ તો માત્ર 12મું ધોરણ પાસ છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં તેને ફ્રોડ ગેંગ સાથે મળીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી ગેટવેના મદદથી હોરિઝોન નામની એપની મદદથી ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ,પંજાબ અને દિલ્હી, બિહાર, બંગાળના લોકોને મેસેજ કરતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ગુજરાતમાં જ 1 કરોડથી વધુની છેતરપીંડી કરી ચુક્યો છે. સાથો સાથ 25 લાખ લોકોને મેસેજ પણ મોકલી ચુક્યો છે. આરોપીઓનું કામ પૂરું થઈ જતા અલગ અલગ રાજ્યોના અન્ય આરોપીઓને ભોગ બનનારને ટિમ વ્યુયર ડાઉનલોડ કરાવી તેમના ખાતાની માહિતી જાણી રૂપિયાની છેતરપીંડી કરવામાં આવતી હતી.
પોલીસ તપાસ કરતાં 200થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યુ છે. પોલીસને આરોપી પાસેથી 8 બેંક એકાઉન્ટ 58 લાખ રોકડ રૂપિયા, છેતરપીંડીના રૂપિયાથી લીધેલ કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજ દરમિયાન 2 રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે.પોલીસ આ ગેંગના અન્ય માસ્ટર માઈન્ડ ઝારખંડ અને અન્ય રાજ્યોમાં બેઠેલા છે તેમને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. આ મામલે આઈટીને પણ જાણ કરવામાં આવી છે.