મુંબઈમાં અફઘાનિસ્થાન થી લવાયેલ 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલો નશાકારક અને પ્રતિબંધિત ડ્રગ્ઝનો જથ્થાબંધ જથ્થો નવી મુંબઈ પોર્ટ પરથી ઝડપાયો છે. આશરે 1000 કરોડની કિંમતનાં આ ડ્રગ્સને પ્લાસ્ટિકની પાઈપમાં છૂપાવીને અફઘાનિસ્તાનથી ઈરાનના રસ્તે ભારતમાં લાવવામાં આવ્યો હતો. જે પાઈપમાં ડ્રગ્સ સંતાડીને લાવવામાં આવ્યો હતો, તે પાઇપ ને વાંસ ના લાકડા જેવો લાગે તે રીતે કલર કરવામાં આવ્યો હતો.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગના અધિકારીઓએ જ્યારે આ ડ્રગ્સ ઝડપ્યું ત્યારે શરૂઆતમાં તસ્કરોએ તેને આયુર્વેદિક દવા હોવાનું જણાવ્યુ હતું, પરંતુ જ્યારે અધિકારીઓએ તેને સંતાડીને લાવવા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, દવા ખરાબ ન થાય તે માટે આ રીતે લાવવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓએ વધારે કડક થઈને પૂછપરછ કરી ત્યારે દાણચોરોએ તે ડ્રગ્સ હોવાની વાત સ્વીકારી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને ડ્રગ્સ ઈમ્પોર્ટના દસ્તાવેજ તૈયાર કરનાર બે કસ્ટમ એજન્ટની મુંબઈથી અને એક આયાતાકાર અને ફાઈનાન્સરની દિલ્હીથી ધરપકડ કરી બંનેને મુંબઈ લાવવામાં આવ્યા છે.

કસ્ટમ એજન્ટ મીનાનાથ બોડકે અને કોંડીભાઉ પાંડુરંગ ગુંજાલની ધરપકડ પછી તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બોડકેએ તપાસ એજન્સીને જણાવ્યું છે કે, મોહમ્મદ નુમાન નામની વ્યક્તિએ તેને દિલ્હીના આયાતકાર સુરેશ ભાટિયા સાથે મુલાકાત કરાવી હતી. પૂછપરછમાં ખબર પડી કે, ભાટિયાની આ પહેલાં પણ ડ્રગ્સની તસ્કરીમાં ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *