કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે અમદાવાદમાં ડુપ્લિકેટ N95 માસ્ક ની ઘટના સામે આવી છે. શહેરમાં ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલી પાસે આવેલ સફલ સુમેલ બિઝનેસપાર્ક 7 માંથી ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લીકેટ એન-95 માસ્કનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાંચે 1780 નંગ ડુપ્લીકેટ માસ્ક કબ્જે કર્યો છે અને 4 શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અલગ-અલગ કલરની દોરી, કાપડ અને લખાણ વાળા માસ્ક મળી આવ્યા હતા. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
3M કંપનીના ઓથોરાઈઝ ઓફિસરોને માહિતી મળી હતી કે, કમલેશ મહેતા નામનો વ્યક્તિ ઓરીજનલ જેવા જ ડુપ્લીકેટ માસ્ક આપતા હતા. જેથી કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને જાણ કરતા ક્રાઇમબ્રાંચની ટીમે કંપનીના અધિકારીઓને સાથે રાખી ઓઢવ સોનીની ચાલી પાસે સફલ સુમેલ 7 બિઝનેસ પાર્કમાં ત્રીજા માળે આવેલી “માં ક્રિએશન” નામની દુકાનમાં દરોડા પડ્યા હતા. દુકાનમાં કિરણ જેઠવા અને કમલેશ મહેતા મળી આવ્યા હતા. પોલીસને દુકાનમાં 3M 8210 કંપનીના નામે 1280 નંગ N95 ડુપ્લીકેટ માસ્ક મળી આવ્યા હતાં.
આ જથ્થો નીરજ ભાટિયા અને ઘનશ્યામ નાગરાણી એ આપ્યા હતા અને બંને બીજો ડુપ્લીકેટ માસ્કનો જથ્થો આપવા આવવાના હતા. થોડા સમય પછી બંને 500 નંગ N95 ડુપ્લીકેટ માસ્ક લઈને આવ્યા હતા. કંપનીના માણસોએ તપાસ કરતા ઓરીજનલ માસ્કમાં સફેદ દોરીનો ઉપયોગ થાય છે જ્યારે મળી આવેલા માસ્કમાં લાલ, પીળા કલરની દોરી વપરાઈ છે. કાપડ અને લખાણ અલગ છે તેમજ અંદર સ્પન્ચ નથી. જેથી આ તમામ માસ્ક ડુપ્લીકેટ હોવાનું જાણવા સામે આવ્યું. પોલીસે 1780 નંગ માસ્ક કબ્જે કરી ચારેય સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.