વડાપ્રધાન મોદીએ પીએમ-કિસાન યોજનાની કરી જાહેરાત, ખેડૂતો માટે 17,000 કરોડ રૂપિયા ફાળવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત નાણાંકીય સુવિધાઓની મોટી જાહેરાત કરી છે.વડાપ્રધાન મોદીએ આ આ યોજના હેઠળ 8.5  કરોડ કરતાં વધારે ખેડૂતો માટે 17,000 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-કિસાન યોજનાની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આજે  ભગવાન બલરામની જયંતી છે. તમામ દેશવાસીઓ અને ખાસ કરીને ખેડૂત સાથીઓને હલછઠની, દાઉ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હલછઠ અને ભગવાન બલરામની જયંતિના અત્યંત શુભ પ્રસંગે દેશમાં ખેતી સાથે સંકળાયેલી સુવિધાઓ તૈયાર કરવા એક લાખ કરોડ રૂપિયાનું વિશેષ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે, આ યોજનાથી ગામડાઓમાં ખેડૂતોના જૂથોને, કિસાન સમિતિઓને, FPOsને વેરહાઉસ બનાવવા, કોલ્ડ સ્ટોરેજ બનાવવા, ફુડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગો લગાવવા 1 લાખ કરોડ રૂપિયાની મદદ મળશે. પહેલા e-NAM દ્વારા એક ટેક્નોલોજી આધારીત મોટી વ્યવસ્થા બનાવવામાં આવી. હવે કાયદો બનાવીને ખેડૂતોને બજારના ક્ષેત્રમાંથી અને બજાર ટેક્સના ક્ષેત્રમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 8.5 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ તરીકે 17,000 કરોડ રૂપિયા જમા કરતા મને ખૂબ જ સંતોષ અનુભવાઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે આ યોજનાનું જે લક્ષ્ય હતું તે પાર પડી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં આ યોજનાના માધ્યમથી 75,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ગયા છે. તેમાંથી 22,000 કરોડ રૂપિયા તો કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે દરમિયાન જ ખેડૂતો સુધી પહોંચી ગયા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે હવે ખેડૂતો પાસે વિવિધ વિકલ્પ છે. જો તેઓ પોતાના ખેતરમાંથી જ ઉપજનો સોદો કરવા માંગે તો પણ કરી શકશે. અથવા તો સીધું વેરહાઉસથી e-NAM સાથે સંકળાયેલા વેપારીઓ અને સંસ્થાઓ, જે વધુ ભાવ આપે તેમની સાથે પાકનો સોદો કરી શકશે. આ કાયદાનો ઉપયોગ કરતા દુરૂપયોગ વધુ થયો છે. તેનાથી દેશના વેપારીઓ, રોકાણકારોને ડરાવવાનું કામ વધું થયું છે. હવે આ ભયના તંત્રમાંથી પણ ખેતી સાથે સંકળાયેલા વેપારને મુક્ત કરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાને વધુ માં જણાવ્યું કે હવે આપણે એ સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગામના કૃષિ ઉદ્યોગોમાંથી ફુડ આધારીત ઉત્પાદનો શહેર જશે અને શહેરોમાંથી બીજો ઔદ્યોગિક સામાન બનીને ગામમાં આવશે. આ જ તો આત્મનિર્ભર ભારત અભિયાનનો સંકલ્પ છે જેના માટે આપણે કામ કરવાનું છે. બે દિવસ પહેલા જ દેશના નાના ખેડૂતો સાથે સંકળાયેલી એક બહુ મોટી યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનો આગામી સમયમાં આખા દેશને મોટો લાભ મળશે. દેશની પ્રથમ ‘કિસાન રેલ’ મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે શરૂ થઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે, હવે જ્યારે દેશના મોટા શહેરો સુધી નાના ખેડૂતોની પહોંચ વધી છે તો તેઓ તાજી શાકભાજી ઉગાડવાની દિશામાં આગળ વધશે, પશુપાલન અને મત્સ્યપાલન તરફ પ્રોત્સાહિત થશે. તેનાથી ઓછી જમીનમાં વધારે આવકના રસ્તા ખુલશે, રોજગાર અને સ્વરોજગારના અનેક નવા અવસરો ખુલશે. જેટલા પણ પગલા ભરાઈ રહ્યા છે તેનાથી 21મી સદીમાં દેશના ગ્રામીણ અર્થતંત્રની તસવીર બદલાશે, કૃષિ આવકમાં અનેકગણો વધારો જોવા મળશે. હાલ લેવામાં આવેલ દરેક નિર્ણયો ભવિષ્યમાં ગામથી નજીક વ્યાપક રોજગાર તૈયાર કરશે. આ આપણા ખેડૂતો જ છે જેમણે લોકડાઉન દરમિયાન દેશને ખાવા-પીવાની સમસ્યા ન થવા દીધી. દેશમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે આપણા ખેડૂતો ખેતરમાં પાક વાઢી રહ્યા હતા અને વાવણીના નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *