વડોદરા સયાજીગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની હેપ્પી હોમ ગેસ સર્વિસનું ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આજે સાંજે આરોપીઓ જલારામનગરમાં રીફિલિંગ કરી રહ્યા હતા ત્યારે જ SOGની ટીમે દરોડા પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૯૫ રાંધણ ગેસના તથા ૧૪ કોર્મિશયલ બોટલ સાથે ૩ આરોપીને રંગેહાથ ઝડપી લીધા છે.
ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનો પુત્ર હિરેન સુખડિયા નિઝામપુરામાં હેપ્પી હોમ ગેસ સર્વિસ નામની એજન્સી ધરાવે છે. ૧૧ માસ પહેલા હેપ્પી હોમ ગેસ સર્વિસનું રાંધણ ગેસ ચોરીના કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, તે વખતે પુરવઠા વિભાગે કડક કાર્યવાહી નહીં કરતાં કૌભાંડીઓની હિંમત વધી ગઈ હતી. જેથી તેમણે ગેસ ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનું ચાલુ રાખ્યું હતું.
હેપ્પી હોમ ગેસ સર્વિસ એજન્સીમાં કામ કરતાં કર્મચારીઓ ટેમ્પોમાં રાંધણગેસના બાટલા ભર્યા બાદ કારેલીબાગ જલારામનગરમાં જઇ ગેસની ચોરી કરે છે,SOG એ બાથમીના આધારે સાંજે દરોડા પાડતાં રાંધણ ગેસના બોટલોમાંથી ગેસ રીફિલિંગ કરતાં ત્રણ આરોપી જીગ્નેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે માસ્ટર માઇન્ડ જયેશ ભરવાડ ફરાર થઈ ગયો હતો. પોલીસે વજન કાંટા, બૂચ અને રીફિલિંગના પાઈપ કબજે લીધા હતા.
પોલીસના સકંજામાં આવેલો આરોપી જીગ્નેશ માળી ટેમ્પો માલિક તથા ડ્રાઈવર છે. જ્યારે હેમંત અને વિપુલ હેલ્પર તરીકે કામ કરે છે. આરોપીઓએ ગેસ ચોરી કરવા
માટે બે પાઈપ લીધી હતી. આ પાઈપને તેઓ ભરેલા અને ખાલી બોટલ સાથે જોડી સરેરાશ બે થી ચાર કિલોની ગેસ ચોરી કરતાં હતા.