અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવવામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. શ્રેય હોસ્પિટલના ચોથા માળ પર કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેના ICU વોર્ડમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફડા તફડીસર્જાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો અને ઘણા સંઘર્ષ બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં 8 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા અને હોસ્પિટલના ચોથા માળે તમામ કાટમાળ બળીને ખાખ થઈ ગયો છે.
આ દુર્ઘટના અંગે રાજ્યના ડેપ્યૂટી CM નીતિન પટેલે મહત્વનુ નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનાનું ખુબ જ દુખ છે. પરંતુ આ ઘટનામાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેના માટે મુખ્યમંત્રીએ ઘટનાની તાપસ માટે કમિટી બનાવી છે. કમિટીને 3 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, પોલીસે મીડિયાને સહકાર આપવો જોઈએ. પરિવારજનો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપી અંગે પણ જણાવ્યું હતું કે, હાલ પોલીસ શિસ્ત જાળવવા કામગીરી કરી રહી છે, જેથી તેમને સહયોગ આપવો જોઈએ.
અમદાવાદમાં સર્જાયેલ આ દુર્ઘટનાની કેન્દ્ર સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાની જાણ થતાં જ શહેરના મેયર અને મુખ્યમંત્રીને આ ઘટના અંગે માહિતી મેળવી હતી.
Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 6, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આગની ઘટના સંદર્ભે જરૂરી તમામ મદદ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી રીલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરાઈ છે. દરેક મૃતકના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય આપવાનું નક્કી કરાયું છે, જ્યારે ઘાયલ દર્દીઓને રૂપિયા 50 હજારની સહાય આપવા જાહેરાત કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ મદદની જાહેરાત કરવામાં આવી છે. તમામ ઘવાયેલા અને દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી કાળજી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.