દક્ષિણ કાશ્મીરમાં આવેલ કુલગામમાં ટેરિટોરિયલ આર્મીના એક જવાનનું આતંકીઓએ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.આર્મી જવાન બકરીઇદની રજા લઇ પોતાના ઘરે આવ્યો હતો. ત્યારબાદ રવિવારે તે ફરજ પર પાછો જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાથી આતંકવાદીઓએ સાંજે પાંચ વાગે તેનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળેલ છે. સુરક્ષા દળોએ ૧૬૨મી બટાલિયનના લાપતા આર્મી જવાનને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આર્મી જવાનની ખાનગી માલિકીની કાર બળેલી હાલતમાં મળી આવી હતી.સૈન્યએ આ ઘટનાની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી.
મળેલ માહિતી અનુસાર, ટેરિટોરિયલ આર્મીનો આ જવાન શાકિર મંઝૂર શોપિયાંનો રહીશ છે. આ જવાન બકરી ઈદ ની રજા લઈ પોતાના ઘરે આવ્યો હતો. ત્યારબાદ રવિવારે સાંજે ફરજ પર પરત થવા કુલગામ તરફ આવી રહ્યો હતો. ત્યારે આતંકવાદીઓએ તે જવાનનું રંભામા દમ્હાલા હાજીપુરથી અપહરણ કર્યું હતું. આતંકવાદીઓએ જવાનના વાહનને આગ પણ ચાંપી હતી. બળેલું વાહન સુરક્ષા દળોને સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યું છે. અપહરણ થયેલ આર્મી જવાનને શોધવા સૈન્ય ડ્રોન અને તાલીમબદ્ધ શ્વાનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરી રહ્યું છે.
આ ઉપરાંત ૨૨ જુલાઇના રોજ કુલગામમાં ત્રાસવાદીઓએ પોલીસકર્મી પર હુમલો કર્યા ની ઘટના પણ સામે આવી હતી.આ હુમલામાં પોલીસકર્મી અબદુલ રશીદ ડાર શહીદ થયો હતો. તેમજ તે પહેલાં જુલાઇના આરંભમાં બારામુલા જિલ્લાના સોપોરે ખાતે આતંકવાદીઓએ CRPF ટીમ પર ગોળીબાર કર્યો હતો.આ ગોળીબારમાં એક જવાન શહીદ અને ત્રણને ઇજા પહોંચી હતી. ત્રાસવાદીઓના ગોળીબારમાં એક નાગરિક પણ ભોગ બન્યો હતો. મૃત્યુ પામેલા નાગરિક સાથે તેનો ૩ વર્ષનો પૌત્ર પણ હતો. જોકે સુરક્ષા દળો દ્વારા તે બાળકને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો હતો.