અમદાવાદમાં આવેલ શાહઆલમ વિસ્તારમાં જાણીતા નવાબ બિલ્ડર્સ ભાઈઓ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક સ્ક્રેપના વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. દાણીલીમડામાં નવાબ બંગલોની સામે રહેતાં સ્ક્રેપના વેપારીનું મકાન ઘણા સમયથી શરીફખાનને કારણે વેચાતું નથી. ગયા શુક્રવારે રાત્રે નવાબ બિલ્ડર્સ ભાઈઓએ વેપારીને તેમની ઓફિસે બોલાવી મકાન બાબતે અપશબ્દો બોલી ધમકી આપી હતી.પોલીસે નવાબ બિલ્ડર્સના માલિકો બાબાખાન પઠાણ, મેહબૂબખાન તેમજ શરીફખાન વિરુદ્ધમાં ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.
મળેલ માહિતી અનુસાર, દાણીલીમડામાં મેમણની ચાલીમાં નવાબખાનના બંગલાની સામે રહેતાં 45 વર્ષીય સાબીર હુસૈન ઈકબાલભાઈ લુહાર પ્લાસ્ટીક સ્ક્રેપનો અને ટી સ્ટોલ ધરાવી વેપાર કરે છે. સાબીરહુસેન તેમના મકાનની બાજુમાં રહેતાં નવાબ બિલ્ડર્સના બાબાખાન, મેહબુબખાન અને શરીફખાનને ખુબજ સારી રીતે ઓળખે છે.સાબિર હુસેનના ઘરે શુક્રવારે રાત્રે 9 વાગ્યે આવેલા નવાબ બિલ્ડર્સના માણસે કહ્યું કે, શરીફખાન તમને નવાબ બિલ્ડર્સની ઓફિસે બોલાવે છે. જેથી સાબિર હુસેન રાત્રે નવાબ બિલ્ડર્સની ઓફિસે ગયા હતા. ઓફિસમાં ત્રણે ભાઈઓ બાબાખાન, મેહબૂબખાન અને નવાબખાન ઓફિસ માં હાજર હતા. જ્યાં મકાન વેચવા બાબતે વાતચીત થઈ હતી. જેમાં સાબીર હુસૈને કહ્યું કે,તમારા કારણે મારું મકાન વેચાતું નથી. જેથી ઉશ્કેરાયેલા ત્રણે ભાઈઓ સાબીર હુસૈનને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. મેહબૂબખાન અને શરીફખાને સાબીર હુસૈનને જાનથી મારવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.ઉપરાંત બાબાખાને બિભત્સ શબ્દો બોલી બોલ્યા હતા.
સબિર હુસૈન દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. જો કે ઇસનપુર પોલિસ ની હદ હોવાથી પોલીસે ઈસનપુર જવાનું કહ્યું હતું. સાબીરહુસેનની ફરિયાદને પગલે ઈસનપુર પોલીસે નવાબ બિલ્ડર્સના ત્રણેય ભાઈ બાબાખાન નવાબખાન પઠાણ અને તેના ભાઈઓ મેહબુબખાન તેમજ શરીફખાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપસ હાથ ધરી છે.