ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1 ઓગસ્ટથી શરૂ થી રહેલી પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં પ્રથમ 3 ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે. બીસીસીઆઈએ બુધવારે પ્રથણ 3 ટેસ્ટ મેચ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ વિરુદ્ધ મંગળવારે રમાયેલી ત્રીજી અને સીરિઝની અંતિમ વનડેમાં ઈજાગ્રસ્ત થયેલા ફાસ્ટર બોલર ભુવનેશ્વર કુમારનો ટીમમાં સમાવેશ નથી કરાયો.
ટીમમાં બે વિકેટકીપરની પસંદગી કરવામાં આવી છે. દિનેશ કાર્તિકની સાથે ઋષભ પંતને પણ પસંદગીકારોએ વિકેટકીપ બેટ્સમેન તરીકે સ્થાન આપ્યું છે. કાર્તિકે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટમાં વિકેટકીપિંગ કર્યું હતું. ઋષભ પંતની ટેસ્ટમાં પ્રથમવાર પસંદગી કરાઈ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મંગળવારે અંતિમ વનડેમાં બેટિંગ દ્વારા પોતાની પ્રતિભા દર્શાવવા બદલ બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળ્યું છે. જો તે અંતિમ અગિયારમાં સ્થાન મેળવે છે તો 26 વર્ષની ઉંમરે ટેસ્ટ કેપ પહેરનાર યુવા બનશે. દરમિયાન ઈંગન્લેન્ડ સામે વનડે અગાઉ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા ઝડપી બોલર મોહમ્મદ શમીને ટેસ્ટમાં સ્થાન મળશે. શમીએ પાછળથી યો-યો ટેસ્ટ પાસ કર્યો હતો.
બુમરાહ બીજી ટેસ્ટથી ટીમ સાથે જોડાશે. તેને અંગૂઠામાં ઈજા થઈ છે અને તેને લીધે વનડે સીરિઝમાંથી બહાર થવું પડ્યું છે. ભુવનેશ્વરને અંતિમ બે ટેસ્ટમાં જગ્યા મળશે કે કેમ તે નક્કી નથી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભુવનેશ્વરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વહેલી તકે નિર્ણય લેવાશે.
પ્રથમ 3 ટેસ્ટ મેચ માટેની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), કરૂણ નાયર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર