રોમ ઓપનનું ટાઇટલ જીતનાર રફેલ નડાલે ફરી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. નડાલે ઝવેરેવ સામે રોમ ઓપનની ફાઇનલમાં ૬-૧, ૧-૬, ૬-૩થી વિજય મેળવી ફરી એક વખત સાબિત કર્યું હતું કે, તે કિંગ ઓફ ક્લે કોર્ટ છે. રફેલ નડાલે આ સિઝનમાં નંબર વન સાથે શરૂઆત કરી હતી જ્યારે રોજર ફેડરર ૧૯ ફેબ્રુઆરીએ નંબર વન બન્યો હતો. તે પછી નડાલ બીજી એપ્રિલે ફરી નંબર વન બન્યો હતો. ફેડરર ફરી ૧૪ મેના રોજ નંબર વન બન્યો હતો પરંતુ નડાલે આજે જાહેર થયેલા રેન્કિંગમાં ફરી નંબર વનનું સ્થાન મેળવી લીધું હતું. આ સિઝનમાં ચાર વખત નંબર વનનું સ્થાન બદલાયું હતું જે વર્ષ ૨૦૦૩ બાદ પ્રથમ વાર બન્યું છે. સૌથી વધુ નંબર વનનું સ્થાન બદલાવાનો રેકોર્ડ ૧૯૮૩માં નોંધાયો હતો. તે વખતે ૧૦ વખત નંબર વનનું સ્થાન બદલાયું હતું. જર્મનીનો એલેક્ઝાન્ડર ઝવેરેવ ત્રીજા, મારિન સિલિચ ચોથા, ગ્રિગોર દિમીત્રોવ પાંચમા નંબરે છે. જુઆન માર્ટિન ડેલ પોટ્રો છઠ્ઠા, કેવિન એન્ડરસન સાતમા, ડોમિનિક થિયામ આઠમા, ડેવિડ ગોફિન નવમાં અને જ્હોન ઇસ્નેર ૧૦મા ક્રમે છે.