ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી. તેને પહેલી ઓવરમાં પ્રથમ ફટકો ડાર્સી શોર્ટ ના રૂપમાં લાગ્યો. તેની વિકેટ અશ્વિને ઝડપી હતી. ત્યારબાદ રાજસ્થાનના કેપ્ટન અંજ્કિય રહાણે ને અક્ષર પટેલે તેનો શિકાર બનાવ્યો. ક્રિસ ગેલે શાનદાર અંદાજમાં રહાણેનો કેચ ઝડપ્યો હતો. બેન સ્ટોક્સ ફરી ફ્લોપ રહ્યો. તેને મુજીબે આઉટ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે પંજાબને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને પંજાબે 8 બોલ બાકી હતા ત્યારે હાસિલ કરી લીધો હતો. લોકેશ રાહુલે 54 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 84 રન ફટકાર્યા હતા. જ્યારે સ્ટોઇનિસ 16 બોલમાં 2 ફોર અને એક સિક્સની મદદથી 23 રને અણનમ રહ્યો હતો. પંજાબની 9 મેચમાંથી આ છઠ્ઠી જીત છે. તે 12 પોઇન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. બીજીતરફ રાજસ્થાન માટે પ્લેઓફની રાહ મુશ્કેલ બની ગઈ છે.