IPL 2018 માં ચેન્નાઇ સુપર કિંગ્સે બુધવારે એક રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૫ વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતના હીરો મહેન્દ્રસિંહ ધોનીએ ૩૪ બોલમાં અણનમ ૭૦ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ચેન્નાઇની હારની બાજીને જીતમાં પલટી નાંખી હતી.
આરસીબીએ 206 રનનો વિશાળ પડકાર ચેન્નાઇ સામે રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરી રહેલી ચેન્નાઇની ટીમની ૪ વિકેટ માત્ર ૭૪ રનમાં પડી ગઇ હતી. અહીં જીત માટે ચેન્નાઇને ૧૧ ઓવરમાં ૧૩૪ રનની જરૂરિયાત હતી. ત્યારે એક સમયે ચેન્નાઇ પર હારનો ખતરો મંડરાઇ રહ્યો હતો.
પરંતુ ચેન્નાઇના સુકાની એમએસ ધોનીએ શાનદાર ઇનિંગ્સ દ્વારા ટીમને જીત અપાવી હતી. ધોની અને રાયડુ વચ્ચે પાંચમી વિકેટને લઇને ૧૦૧ રનની ભાગીદારી થઇ. રાયડૂએ ૫૩ બોલની ઇનિંગ્સમાં ૮ સિકસર અને ૩ બાઉન્ડ્રી ફટકારી. અંતિમ ઓવરમાં ચેન્નાઇને ૧૬ રનની જરૂરિયાત હતી.
બ્રાવોએ અંતિમ ઓવરમાં ૧ બાઉન્ડ્રી તેમજ એક સિકસર લગાવી ધોનીને સ્ટ્રાઇક આપી. ધોનીએ પોતાના અલગ અંદાજમાં સિકસર મારી ચેન્નાઇને જીત અપાવી હતી. ધોનીએ ૩૪ બોલમાં ૭ સિકસર અને ૧ બાઉન્ડ્રી ફટકારી હતી. આ જીત સાથે ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું.
અગાઉ બેંગલોર માટે ક્વિન્ટન ડી કોકે ઝંઝાવાતી પ્રારંભ કર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 15 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 18 રન ફટકારીને આઉટ થયો ત્યાર બાદ બે સાઉથ આફ્રિકન બેટ્સમેન ડી કોક અને ડી વિલિયર્સે બીજી વિકેટ માટે 9.1 ઓવરમાં 103 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી વિલિયર્સ વધારે આક્રમકતાથી બેટિંગ કરી રહ્યો હતો. તેણે આઇપીએલમાં નવમી વખત 25 કે તેથી ઓછા બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 30 બોલની ઇનિંગ્સમાં ડી વિલિયર્સે 226.67 ના સ્ટ્રાઇક રેટથી આઠ સિક્સર સાથે 68 રન ફટકાર્યા હતા. ડી વિલિયર્સ 15મી ઓવરમાં આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 142 હતો. આમ તે છેક સુધી ટકી ગયો હોત તો આ ઇનિંગ્સમાં બેંગલોરની ટીમ 250ની આસપાસનો સ્કોર નોંધાવવામાં સફળ રહી હોત. ડી કોકે પણ ઝડપી બેટિંગ કરીને ચાર સિક્સર સાથે 37 બોલમાં 53 રન ફટકાર્યા હતા..
ડી કોક અને ડી વિલિયર્સની વિકેટ પડ્યા બાદ બેંગલોરે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી પરંતુ મનદીપ સિંઘ અને છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન સુંદરની બેટિંગને કારણે ટીમ 205 રન સુધી પહોંચી શકી હતી. મનદીપસિંઘે 17 બોલમાં 32 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો જ્યારે સુંદરે માત્ર ચાર બોલ રમીને 13 રન નોંધાવ્યા હતા. આ સિઝનમાં લેગ સ્પિનર ધમાલ મચાવી રહ્યા છે તે પુરવાર કરતાં ઇમરાન તાહીરે બે વિકેટ લીધી હતી જ્યારે શાર્દૂલ ઠાકુર અને ડ્વેઇન બ્રાવોએ પણ બે-બે વિકેટ લીધી હતી. ઠાકુર અને બ્રાવોએ એક-એક મેડન ઓવર પણ ફેંકી હતી.