IPL 2018: ક્રીસ ગેલ ની તોફાની બેટિંગ, દીકરીને સમર્પિત કરી સદી

વેસ્ટ ઈન્ડિઝના તોફાની ઓપનર ક્રિસ ગેઈલે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૧ મી સીઝનની પહેલી સેન્ચુરી લગાવતા ફ્રેન્ચાઈઝીઓને જડબાતોડ જવાબ આપ્યો છે, જે ઓક્શન દરમિયાન તેના પર બોલી લગાવવાથી કતરાઈ રહી હતી. તેણે ફરી એકવખત સાબિત કરી બતાવ્યું છે કે,તેનામાં હજી પણ ઘણું ક્રિકેટ બાકી છે અને કોઈપણ બોલરની ધોલાઈ કરવામાં સક્ષમ છે. ગેઈલે સીઝનના ૧૬ ના આ મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે માત્ર ૫૮ બોલ માં ૧૧ સિક્સર અને ૧ બાઉન્ડ્રી લગાવી ને સદી પૂરી કરી હતી.ક્રીસ ગેલે આ સદી પોતાની દીકરીને સમર્પિત કરી હતી, જેનો શુક્રવારે જન્મદિવસ છે.

આ કેરેબિયન બેટ્સમેને પહેલા ૫૦ રન સુધી પહોંચવા માટે ૩૯ બોલનો સામનો કર્યો હતો, જ્યારે બીજા ૫૦ રન માત્ર ૧૯ બોલમાં પૂરા કરતા ૫૮ બોલમાં સદી પૂરી કરી. આ તેની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છઠ્ઠી સેન્ચુરી હતી, જ્યારે પ્રોફેશનલ ટી-20માં તેની આ ૨૧મી સેન્ચુરી હતી. આવું કરનારો તે એકમાત્ર બેટ્સમેન છે.

આઈપીએલમાં સૌથી વધુ સેન્ચુરીની વાત કરીએ તો તેના પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીનો નંબર આવે છે. વિરાટે ૧૫૩ મેચોમાં 38.17ની સરેરાશથી 4619 રન બનાવ્યા છે, જેમાં 4 સેન્ચુરી છે. જો ટી-20ની વાત કરીએ તો ક્રિસ ગેઈલના નામે સૌથી વધુ ૨૧ સદી બોલે છે. તે પછી મેકકુલમ, ક્લિંગર અને લ્યૂક રાઈટે સૌથી વધુ 7-7 સદી ફટકારી છે.

ક્રીસ ગેલે સેન્ચુરી પછી જણાવ્યું હતું કે, ‘આ સદી મારી દીકરીના નામે છે. તેનો જન્મદિવસ કાલે (શુક્રવારે) છે. તે બે વર્ષની થઈ જશે. તે પહેલી વખત ભારત આવી છે. અમે અહીં સારો સમય પસાર કરવા ઈચ્છીએ છીએ. હું ખુશ છું કે, મેં આ સીઝનની મારી બીજી જ મેચમાં સદી ફટકારી છે.’ ક્રિસ ગેલની દીકરી અને તેની ગર્લફ્રેન્ડ નતાશા પણ આ સમયે સ્ટેડિયમમાં ઉપસ્થિત હતાં. સદી ફટકાર્યા બાદ દીકરી તરફ ઈશારો કરતા ગેલે ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *