ક્રિકેટ જગતને ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને હચમચાવી નાખનારી બોલ ટેમ્પરિંગની ઘટનાને લઈને ડેરેન લેહમન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામુ આપશે. મીડિયા અહેવાલ પ્રમાણે લેહમન સાઉથ આફ્રિકા વિરુદ્ધ શુક્રવારથી શરૂ થઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા રાજીનામુ આપી દેશે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કેમેરોન બેનક્રોફ્ટ પીળી પટ્ટી વડે બોલ સાથે ચેડા કરતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. બાદમાં સુકાની સ્ટિવ સ્મિથે પણ સ્વીકાર્યું હતું કે બોલ ટેમ્પરિંગ કરવો તે પૂર્વાયોજિત રણનીતિ હતી. આ ઘટના બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથને સુકાની પદેથી અને ડેવિડ વોર્નરને ઉપસુકાની પદેથી હાંકી કાઢ્યા હતા. જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ અને 100 ટકા મેચ ફીનો દંડ તથા બેનક્રોફ્ટ પર 75 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો હતો.
મીડિયા અહેવાલ પ્રમાણે સ્મિથના ભવિષ્યને લઈને બોર્ડ ટૂંક સમયમાં જ ચૂકાદો જાહેર કરી શકે છે. જોકે, સ્મિતે કહ્યું હતું કે બોલ ટેમ્પરિંગ કરવાનો નિર્ણય ખેલાડીઓ દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં કોચિંગ સ્ટાફને આની કોઈ પણ જાણકારી ન હતી. પરંતુ આ ઘટના બાદ લેહમને હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી.
48 વર્ષીય લેહમનનો કાર્યકાળ 2019ની એશિઝ શ્રેણી સુધીનો હતો પરંતુ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ હવે તે એક વર્ષ પહેલા જ પોતાનું પદ છોડી દેશે. સ્મિથે ભલે કહ્યું હોય કે લેહમનને આ વાતની જાણ ન હતી પરંતુ ભૂતપૂર્વ સુકાની માઈકલ ક્લાર્કનું માનવું છે કે ભલે લેહમનને આ વાતની જાણ હોય કે ન હોય પરંતુ તે પણ એટલો જ જવાબદાર છે. ક્લાર્કે કહ્યું હતું કે જો લેહમન જાણતો ન હોય તો મુખ્ય કોચ તરીકે તેની ટીમ પર તેનું કોઈ જ નિયંત્રણ નથી તે સાબિત થાય છે. પરંતુ જો તેને બોલ ટેમ્પરિંગનો ખ્યાલ છે તો તેની વિશ્વસનીયતા સામે સવાલ ઊભો થાય છે.