છેલ્લા ઘણા દિવસોથી પારિવારિક ઝઘડામાં ફસાયેલા મોહંમદ શમીને બીસીસીઆઈએ ગુરુવારે મોટી રાહત આપતાં ફિક્સિંગના આરોપોમાંથી મુક્ત કરતાં કોન્ટ્રાક્ટમાં પણ સામેલ કરી દીધો છે.
બીસીસીઆઈ દ્વારા નિવેદનમાં જણાવાયું કે, શમી સામે ફિક્સિંગની તપાસ કરવામાં આવી હતી અને તેમાં તે દોષિત જણાયો નહોતો. શમી પર તેની પત્ની હસીન જહાંએ ઇંગ્લેન્ડના મોહંમદ ભાઈનું નામ લઈ શમી પર મેચ ફિક્સિંગના આરોપ લગાવ્યા હતા. બીસીસીઆઈએ ગત આઠમી માર્ચે ભારતીય ખેલાડીઓની સેલરીમાં ઘરખમ વધારો કરતાં નવા કોન્ટ્રાક્ટ જાહેર કર્યા હતા પરંતુ પારિવારિક ઝઘડાને કારણે શમીને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર રખાયો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સંચાલકોની સમિતિએ દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર અને બીસીસીઆઈની એન્ટિ કરપ્શન યુનિટના અધ્ય૭ નીરજકુમારને શમી પર લાગેલા ફિક્સિંગના આરોપોની તપાસ કરવા કહ્યું હતું. હવે આ મામલે નીરજકુમારે સંચાલકોની સમિતિ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં શમી નિર્દોષ સાબિત થયો હતો. બીસીસીઆઈએ ત્યારબાદ શમીને કોન્ટ્રાક્ટમાં સામેલ કરવાનો નિર્ણય કરતાં ગ્રેડ-બી ઓફર કર્યો હતો. આ ગ્રેડમાં શમી ઉપરાંત લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડયા, ઇશાંત શર્મા અને દિનેશ કાર્તિક છે. આ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે, ફિક્સિંગના આરોપમાંથી મુક્ત થતાં હવે શમી માટે આઈપીએલમાં દિલ્હી ડેર ડેવિલ્સ તરફથી રમવાનો રસ્તો પણ સાફ થયો છે.
બીસીસીઆઈએ ન્યાય કર્યો : શમી
બીસીસીઆઈ દ્વારા ક્લીનચિટ મળ્યા બાદ શમીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, મને બીસીસીઆઈ પર ભરોંસો હતો, બીસીસીઆઈએ ન્યાય કર્યો છે. હું દેશ માટે રમ્યો હતો અને દેશ માટે રમતો રહીશ. હવે હું અગાઉ કરતાં પણ વધુ જુસ્સા સાથે રમીશે. શમીએ પત્ની હસીન જહાં અંગે કહ્યું કે, તેના આરોપ જુઠા હતા, તે પોતાના ઉદ્દેશ્યમાં નિષ્ફળ રહી હતી. તે ઇચ્છતી હતી કે, હું ટીમ ઇન્ડિયા તરફથી ન રમું જેમાં તેને નિષ્ફળતા હાથ લાગી છે.