ફેડરરને હરાવી ડેલ પોટ્રો ઇન્ડિયન વેલ્સમાં ચેમ્પિયન

વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી રોજર ફેડરર સામેની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રોએ ઊલટફેર કરતાં ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. આ હારને કારણે રોજર ફેડરરના સતત ૧૭ મેચથી અપરાજિત રહેવાના અભિયાનનો પણ અંત આવ્યો હતો. પોટ્રોએ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પાંચ વખતના ચેમ્પિયન ફેડરરને ૪-૬, ૭-૬, ૭-૬થી પરાજય આપી ૧૩ લાખ ડોલરની ઇનામી રકમ જીતી હતી. ઉલ્લેખનીય છે કે, માર્ટિન ડેલ પોટ્રોએ આ પહેલાં યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પણ પરાજય આપ્યો હતો. ફેડરર અને જુઆન માર્ટિન ડેલ પોટ્રો વચ્ચે આ કુલ ૨૫મો મુકાબલો હતો જેમાં ડેલ પોટ્રોએ સાતમી વખત જીત મેળવી હતી.

જુઆન માર્ટિન ડેલ પોટ્રોનું આ પ્રથમ એટીપી-૧,૦૦૦ ટાઇટલ અને તેની કારકિર્દીનું ૨૨મું ટુર લેવલ ટાઇટલ હતું. ચેમ્પિયન બન્યા બાદ ડેલ પોટ્રોએ કહ્યું કે, હું ચેમ્પિયન બન્યો છું તેનો મને હજુ વિશ્વાસ થતો નથી. બીજી તરફ રોજર ફેડરરે પરાજય બાદ કહ્યું કે, મને ગુસ્સો આવી રહ્યો છે કે, મેં હાથમાં આવેલી તક ગુમાવી હતી. ફેડરરે કહ્યું આ મેચ ઘણી સારી હતી. પોટ્રોએ અંતમાં સારી રમત દર્શાવી હતી. મેચ હારવી નિરાશાજનક છે પરંતુ હું પોટ્રોના વિજયથી ખુશ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *