ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે સિરીઝ જીતી

સ્મૃતિ મંધાના દ્વારા સારી શરૂઆત અપાવવા છતાં મિડલ ઓર્ડરની નિષ્ફળતાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય મહિલા ટીમને ૬૦ રને પરાજયનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ વિજય સાથે ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૮૭ રન બનાવ્યા હતા. ૨૮૮ રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ ૪૯.૨ ઓવરમાં ૨૨૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કરનાર ઓસ્ટ્રેલિયન ટીમને ઓપનર નિકોલ બોલ્ટનના ૮૪ રન, એલિસે પેરીના અણનમ ૭૦ રન અને બેથ મૂનીના ૫૬ રનની મદદથી ૨૮૭ રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખા પાંડેએ ૬૧ રન આપી ત્રણ અને પૂનમ યાદવે ૫૨ રન આપી બે વિકેટ ઝડપી હતી.

૨૮૮ રનના ટાર્ગેટ સામે સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉતે પ્રથમ વિકેટ માટે ૮૮ રન જોડતાં સારી શરૂઆત અપાવી હતી. સ્મૃતિએ આક્રમક રમત દર્શાવી હતી પરંતુ પૂનમ રાઉતની રમત ઘણી ધીમી હતી. સ્મૃતિએ ૪૧ બોલમાં અર્ધી સદી પૂર્ણ કરી ત્યારે પૂનમ રાઉતે ૩૯ બોલમાં નવ જ રન બનાવ્યા હતા. રાઉતની ધીમી બેટિંગને કારણે ભારતીયખેલાડીઓ પર દબાણ વધ્યું હતું. મંધાનાએ આક્રમક બેટિંગ દર્શાવી હતી પરંતુ તે ૬૭ રન બનાવી જોનાસેનનો શિકાર બની હતી. મંધાના આઉટ થયા બાદ રાઉત પણ અંગત ૨૭ રન બનાવી રનઆઉટ થઈ હતી. તે પછી કેપ્ટન મિતાલી રાજ ૧૫ રન અને હરમનપ્રીત કૌર ૧૭ રન બનાવી આઉટ થઈ હતી. દીપ્તિ શર્મા ૨૬ રન, વેદા કૃષ્ણમૂર્તિ બે રન અને વિકેટકીપર સુષમા શર્મા આઠ રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. ભારતે ૧૭૦ રનના સ્કોરે સાત વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે નવમા ક્રમે બેટિંગમાં આવેલી પૂજા વસ્ત્રાકરે ૩૦ રન બમાવતાં ભારતનો સ્કોર ૨૦૦ રનની પાર પહોંચ્યો હતો. શિખાએ ૧૫ અને એકતા બિસ્ટે આઠ રન બનાવ્યા હતા. પૂનમ યાદવના રૂપમાં ભારતે અંતિમ વિકેટ ગુમાવતાં ૨૨૭ રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસી. તરફથી જોનાસેને ત્રણ જ્યારે એલિસે પેરી અને વેલિંગ્ટને ૨-૨ વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *