– અમદાવાદ દૂધેશ્વરમાં જ્યુપીટર મિલની ચાલીમાં
– ૧૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ માં શાહપુર દુધેશ્વરનો કુખ્યાત બુટલેગર ઊસ્માનગની લધાણી તેના દુધેશ્વર ખાતે આવેલા ઘરમાં ભારત બાંગ્લાદેશની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની માહિતીને આધારે માધવપુરા પોલીસે અહીં દરોડો પાડયો હતો. જેમાં પોલીસે ૧૦ આરોપીની ધરપકડ કરી હતી. ૧૦ પૈકી એક આરોપી શાહપુર ભાજપ મહિલા મોરચાના પ્રમુખનો દિકરો હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસે આ બાબતે તેમને જાણકારી નથી એમ કહીને આરોપીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ શહેરમાં દારૃ જુગારની પ્રવૃતિ અટકાવવા હાથ ધરાયેલી ડ્રાઈવ દરમિયાન માધુપુરા પોલીસે દુધેશ્વરમાં જ્યુપિટર મિલની ચાલીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચ પર બુટલેગર ઊસ્માનગની સટ્ટો રમાડતો હોવાની માહિતી મળી હતી. જેને આધારે એલ.ડિવીઝનના એસીપી અર્પિતા પટેલના માર્ગદર્શન હેઠળ માધુપુરા પોલીસે અહીં ૧૪ માર્ચના રોજ રાત્રે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે સટ્ટો રમાડતા ઊલ્માનગની ઊર્ફે ગની ઈલ્માઈલભાઈ લધાણી, મોહંમદ સલીમ નાસીરહુસેન લધાણી, સમશુદ્દીન ઊલ્માનગની લધાણી, નવીન છબીલદાસ કોટેચા, જૈનેશ દિલીપભાઈ શાહ, દિનેશ કાંતિલાલ શાહ, સુનિલ મહેશકુમાર શાહ, સુનિલ પરેશકુમાર શાહ, સની ગણપતભાઈ નંદનવડે, ભરતભાઈ મણીલાલ કંસારા અને સમીર ચંદ્રકાંત ભાવસારની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની પાસેથી ૨૩મોબાઈલ, રાઊટર, ટીવી એ સાત વાહનો મળીને કુલ રૃ. ૧૧,૯૮,૧૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ૧૦ પૈકી એક આરોપી શાહપુર ભાજપ મહિલા પ્રમુખનો પુત્ર છે. આ અંગે પુછતા માધુપુરા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.વી.એન.રબારીએ આ અંગે મને કંઈ ખબર નથી એમ જણાવ્યું હતું.