સુપ્રીમ કોર્ટમાં સોમવારે કઠુઆ સામુહિક દુષ્કર્મ અને હત્યા મામલે સુનાવણી કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે આ કેસ હવે પઠાણકોટ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે તમામ અરજીઓ ના મામલે આ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેસની વધુ સુનાવણી ૯ જુલાઈએ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી રોજ આ કેસની સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી સીબીઆઈ તપાસની માગણી નકારી છે.ઉલ્લેખનીય છે કે ઘુમંતુ અલ્પસંખ્યક સમુદાયની આઠ વર્ષની બાળકીને 10મી જાન્યુઆરીના રોજ જમ્મુ ક્ષેત્રમાં કઠુઆના નજીકના ગામમાં પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. એક સપ્તાહ બાદ આ વિસ્તારમાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે પાછળની સુનવણીમાં સખ્ત ચેતવણી આપતા કહ્યું હતું કે અમારી અસલ ચિંતા મામલાની નિષ્પક્ષ સુનવણીને લઇને છે અને જો તેમાં જરા પણ ભૂલ જોવા મળી તો આ કેસને જમ્મુ-કાશ્મીરની સ્થાનિક કોર્ટમાંથી બહાર સ્થળાંતરિત કરી દેવાશે. બાળકીના પિતાએ પોતાના પરિવાર, પરિવારના એક મિત્ર, અને પોતાના વકીલની સુરક્ષાના પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ ન્યાયાલયે આ તમામને સુરક્ષા આપવાનો આદેશ પોલીસને આપ્યો હતો. આ બધાની વચ્ચે સાંઝીરામ સહિત બે આરોપીઓએ આખા કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવાની અને તેની સુનાવણી જમ્મુમાં જ કરાવા માટે અલગથી અરજી કરી હતી.